અમદાવાદઃ શહેરમાં લગ્નની સાઈટ મારફતે છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. મૂળ મહેસાણાના કડીના કરીમે 'આદિત્ય પટેલ' બની લગ્નની સાઈટ મારફતે સંખ્યાબંધ વિધવાઓને ફસાવી સંબંધ બાંધ્યા હતા. જોકે એક મહિલાએ ટ્રુ કોલર પર નામ ચેક કરતાં હકીકત સામે આવી હતી. જે બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મેટ્રોમોનિયલ સાઈટ જીવસાથી ડોટ કોમ પર હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતા એક રીઢા ગુનેગારની ધરપકડ કરી હતી.
શું છે મામલો
મહેસાણાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર આદિત્ય પટેલ નામે નકલી પ્રોફાઈલ બનાવી હતી. જ્યાં તેણે પોતાની ઓળખ પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝના માલિક, એમબીએ અને આઈટી એન્જિનિયર તરીકે આવી હતી. હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતો હતો. તે પરિણીત હતો અને તેને 20 વર્ષનો એક દીકરો હોવા છતાં પોતાને વિધુર અને નિઃસંતાન ગણાવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો.
આ રીતે ફૂટ્યો ભાંડો
તેણે આ રીતે એક મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની પાસેથી રૂપિયા 70 હજાર માંગ્યા હતા. મહિલાએ ટ્રુ કોલરમાં ચેક કરતાં તેનું નામ કરીમ આવ્યું હતું. જે બાદ મહિલાએ આરોપીએ તેના આપેલા દસ્તાવેજનું સરનામું ચેક કરાવતાં ખોટું નીકળ્યું હતું. આ પછી મહિલાએ હિન્દુ સંગઠનનો સંપર્ક કર્યો હતો.
મહિલાઓનો વિશ્વાસ જીતવા બનાવ્યા હતા બોગસ દસ્તાવેજ
કરીમે મહિલાનો વિશ્વાસ જીતવા આદિત્ય પટેલ નામના બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા. તેણે આદિત્ય પટેલ નામના નકલી આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ, જીએસટી સર્ટિફિકેટ અને પત્નીના મરણનું ખોટું ડેથ સર્ટિફિટેક બનાવ્યું હતું. એકવાર મહિલાઓનો વિશ્વાસ જીત્યા બાદ તે વિવિધ બહાના કાઢીને મોટી રકમ પડાવતો હતો.
ફોનમાંથી મળી ચોંકાવનારી વસ્તુઓ
હિન્દુ સંગઠનોના દાવા મુજબ, પકડાયેલા કરીમના મોબાઈલ ફોનમાંથી આશરે 20 અલગ અલગ યુવતિઓના નામ ધરાવતાં ફોલ્ડર મળી આવ્યા છે. જેમાં કથિત 8000થી વધુ આપત્તિજનક તસવીરો અને વીડિયો છે. આ કારણે મામલો માત્ર આર્થિક છેતરપિંડીનો જ નહીં પરંતુ મોટાપાયે મહિલાઓના શોષણનો હોવાની આશંકા પણ છે.