Thu Sep 03 2026

Logo

કાંકરિયામાં કેન્ડી વર્લ્ડ બનશે આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે ખાસિયત

2026-02-27 13:22:00
Author: Mayur Patel
કાંકરિયામાં કેન્ડી વર્લ્ડ બનશે આકર્ષણનું કેન્દ્ર, જાણો શું છે ખાસિયત


અમદાવાદઃ શહેરનું કાંકરિયા લેકફ્રન્ટ પ્રવાસીઓનું પસંદગીનું સ્થળ રહ્યું છે. લેકફ્રન્ટમાં લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત 15 કરોડના ખર્ચે કેન્ડી વર્લ્ડનું નિર્માણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના શહેરી વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા અને પ્રવાસન પ્રોત્સાહનલક્ષી અનેક મહત્વપૂર્ણ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, પ્રવાસન સ્થળોને વધુ મુલાકાતી-ફ્રેન્ડલી બનાવવા માટે બજેટની જોગવાઈઓ મંજૂર કરવામાં આવી છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી ખર્ચને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ડેવલપમેન્ટ  માટે પસંદ કરાયેલા પ્રવાસન સ્થળોમાં કાંકરિયા લેક, અટલ બ્રિજ, સાબરમતી રિવરફ્રન્ટ, જગન્નાથ મંદિર અને સ્વામિનારાયણ મંદિરનો સમાવેશ થાય છે.

કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં આધુનિક ટેકનોલોજી આધારીત મલ્ટીમીડિયા મ્યુઝિકલ ફાઉન્ટેન  ડેવલપ કરાશે. આ ફાઉન્ટેન શોમાં 15-15 મિનિટના એક એવી ચાર વિવિધ થીમ પર સાંજે સાત કલાક પછી શો મુલાકાતીઓ નીહાળી શકશે. ફાઉન્ટેનમાં પાણીના ફૂવારા, સંગીત, લાઈટિંગ તેમજ વિઝ્યુઅલ પ્રોજેક્શનનું સંકલન કરવામાં આવશે.  જે મુલાકાતીઓને બતાવવામાં આવશે.  આ માટે 5.53 કરોડનો ખર્ચ થશે.

આ ઉપરાંત 15 કરોડના ખર્ચે એક વર્ષમાં બાળકો માટે કેન્ડી વર્લ્ડનું નિર્માણ થઈ જશે. જે બાળકો માટે એક નવું ડ્રીમ ડેસ્ટિનેશન બનશે. આ પ્રોજેક્ટમાં બાળકો માટે થીમ આધારિત પાર્ક તૈયાર કરાશે. કેન્જી કેરસલથી રેઈનબો સ્લાઈડ સુધીની મજા માણી શકાશે. 4133 ચોરસ મીટર વિસ્તારમાં થીમ આધારિત એન્ટ્રી ગેટ ઉપરાંત ટિકિટિંગ ઝોન, ફૂડ કાઉન્ટર્સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે.

કેન્ડી વર્લ્ડમાં શું હશે
ચોકલેટ મોન્યુમેન્ટ, ફોટોગ્રાફી માટે પ્લેસ, ફેન્ટેસી વર્લ્ડ ઉપરાંત બબલ બ્લાસ્ટ, ગેમઝોન, થીમ આધારિત ફૂડ કીઓસ્ક, મિલ્કી વે ગ્લેક્સીમાં દોરડાથી બનેલું પ્લે ગ્રાઉન્ડ, સેન્સરી અનુભવ આપતી રમતો, રેઈનબો સ્લાઈડ, ઈમર્સિવ રાઈડ, ડાર્ક રાઈડ, નીઓન પિકલ બોલ, ફન રાઈડ