Fri Jun 19 2026

Logo

કાલુપુર BoBની કરન્સી ચેસ્ટમાંથી રૂ.8.70 કરોડની ચોરી કરનાર કસ્ટોડિયન સોલાથી ઝડપાયો, રૂ. 2.20 કરોડ રોકડા જપ્ત

2026-05-23 16:55:51
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલી બેન્ક ઓફ બરોડામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) કરન્સી ચેસ્ટના સંયુક્ત કસ્ટોડિયનની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયાની ચોરી કરવા અને તેમાંથી કેટલાક પૈસાનો ઉપયોગ મિલકતો ખરીદવા અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવા બદલ પોલીસે ધરપકડ કરી હતી. અત્યાર સુધીની તપાસ દરમિયાન 2.20 કરોડ રૂપિયા રોકડા રિકવર કરી લેવામાં આવ્યા હતા અને આરોપી દ્વારા આ પૈસા થકી ખરીદવામાં આવેલી સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ કેસના આરોપી હર્ષસિદ્ધ કડિયાર બેંક ઓફ બરોડામાં સ્થિત આરબીઆઈ કરન્સી ચેસ્ટના સંયુક્ત કસ્ટોડિયન તરીકે ફરજ બજાવતા હતા. કાલુપુર પોલીસ સ્ટેશનમાં શાખાના મુખ્ય મેનેજર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, નવા નિયુક્ત કસ્ટોડિયનો દ્વારા કરવામાં આવેલા ઓડિટ અને જ્યારે તપાસ કરવામાં આવી હતી તેમાં 500 રૂપિયાની નોટોમાં 8.70 કરોડ રૂપિયાની ઘટ જોવા મળી હતી.

તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીએ બેંકમાંથી રોકડ ભરેલા બોક્સમાં ભંગારનો સામાન હોવાનું કહીને તે બેંકમાંથી બોક્સ લઈને બહાર નીકળતો સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે કથિત ચોરી પછી પણ આરોપી લગભગ ત્રણ મહિના સુધી બેન્કમાં કામ કરતો હતો, તેનું કારણ હતું કે આરોપી એવું માનતો હતો કે 90 દિવસ પછી સીસીટીવી ફૂટેજ આપમેળે ડિલીટ થઈ જશે. થોડા દિવસ બાદ તેમણે બીમાર હોવાનું કહીને બેન્કમાંથી રજા લીધી હતી અને બાદમાં અંદાજે એક મહિનાથી તે બેંકમાં આવ્યા નહોતા. 

પોલીસ ફરિયાદના આધારે પોલીસે આરોપીની સોલા વિસ્તારમાંથી  ધરપકડ કરી હતી અને તેમના નિવાસસ્થાન પાસે પાર્ક કરેલી કારમાંથી 2.20 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ બેન્કમાંથી ચોરેલા પૈસાનો મોટો ભાગ ખર્ચી નાખ્યો હતો. આરોપીએ ચાંદખેડામાં 2 કરોડ રૂપિયાથી વધુનો બંગલો, 1.40 કરોડ રૂપિયાની દુકાન, વાહન તેમજ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત તેમણે અન્ય એક મહિલાને ઘર લેવા માટે 28 લાખ રૂપિયાની મદદ કરી હોવાનું પણ જાણવા મળ્યું હતું, હવે પોલીસે તેની પણ તપાસ હાથ ધરી હતી.