Thu Jun 18 2026

Logo

અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીએ સાથી વિદ્યાર્થીને આંખમાં પરિકર માર્યું

2026-04-21 13:10:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં વિદ્યાર્થીઓમાં બબાલ થઈ હોવાની વધુ એક ઘટના સામે આવી હતી. શહેરના ઈસનપુર પબ્લિક સ્કૂલમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની આંખામાં પરિકર માર્યું હતું. વિદ્યાર્થીને આંખમાં ઈજા થતાં ઓપરેશન કરવું પડ્યું હતું.

શું છે મામલો

એએમસી સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલમાં આ ઘટના બની હતી. અદાવાદના નારોલ વિસ્તારમાં 14 વર્ષીય સગીર તેના માતા-પિતા સાથે રહે છે અને નારોલ-વટવા રોડ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઇસનપુર પબ્લિક સ્કૂલમાં ધો. 8માં અભ્યાસ કરે છે. 20 એપ્રિલના રોજ સવારે વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સ્કૂલે ગયો હતો. 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થઈ હતી તે દરમિયાનમાં તેના એક મિત્રને અન્ય સાથી વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી. મિત્ર સાથે બોલાચાલીના ઝઘડામાં આ વિદ્યાર્થી પડ્યો હતો અને બંનેને છોડાવવા લાગ્યો હતો, જેથી ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ અચાનક જ તેની પાસે રહેલું પરિકર કાઢીને આંખમાં માર્યું હતું.

સ્કૂલ પરિસરમાં આ ઘટના બનતાં ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટના અંગે વિદ્યાર્થીના માતા-પિતાને જાણ કરવામાં આવી, અને તેઓ પણ હોસ્પિટલ દોડી ગયા. જ્યારે વિદ્યાર્થીની માતાને પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની જ્યારે બે વિદ્યાર્થીઓ લડી રહ્યા હતા અને તેમને અલગ કરવા પડ્યા. પોલીસને પણ જાણ કરવામાં આવી, અને નારોલ પોલીસ હોસ્પિટલમાં પહોંચી. નારોલ પોલીસે કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી હતી.

ગત મહિને અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં ટ્યુશન ક્લાસમાં બેસવા બાબતે વિદ્યાર્થીએ મિત્રને છરી મારી હતી. 19 જાન્યુઆરી સ્કૂલ બહાર ધોરણ 10ના એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કર્યો હતો.