Sat Sep 12 2026

Logo

દૂધ ના મળતાં લાખો અમદાવાદીઓની સવાર બગડી, દુકાનોમાં પાણી ભરાતાં દૂધ-બ્રેડ વગેરે ચીજોની તંગી

2026-07-24 08:28:00
Author: Mayur Patel
દૂધ ના મળતાં લાખો અમદાવાદીઓની સવાર બગડી, દુકાનોમાં પાણી ભરાતાં દૂધ-બ્રેડ વગેરે ચીજોની તંગી

અમદાવાદઃ શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે દૂધના વાહનો કેટલાક વિસ્તારોમાં પહોંચી શક્યા નહોતા. દૂધ ના મળતાં લાખો અમદાવાદીઓની સવાર બગડી હતી. તેમજ કેટલાક વિસ્તારોમાં દુકાનોમાં પાણી ભરાતાં દૂધ-બ્રેડ વગેરે ચીજોની તંગી સર્જાઈ હતી. આ ઉપરાંત આજે સવારે શહેરના ઘણા દૂધ પાર્લર, દૂધની ડેરી પર પણ લોકોએ દૂધ-દહીં ખરીદવા લાઈનો લગાવી હતી.

અમદાવાદમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ આજે પણ ચાલુ રહ્યો હતો. આજે સવારે 5 વાગ્યા આસપાસ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. શહેરમાં ભારે વરસાદને કારણે સોસાયટીઓ અને બંગલોમાં પાણી ઘૂસી ગયા છે. સિંધુભવન, એસ.જી. હાઈવે અને બોપલ જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો, 

અમદાવાદમાં વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને વાસણા બેરેજના દરવાજા ખોલવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને કામ વગર બહાર ન નીકળવા વિનંતી કરી છે. ભારે વરસાદ દરમિયાન AMCના કંટ્રોલ રૂમને 102 સ્થળોએ પાણી ભરાવાની ફરિયાદો મળી હતી, જ્યારે 41 વૃક્ષો પડ્યાના કોલ નોંધાયા હતા. ઉપરાંત મકાન અને છત ધરાશાયી થવાની પાંચ ફરિયાદો પણ મળી હતી. બીજી તરફ 66 સ્થળોએ પાણી ઓસરી જતાં સ્થિતિ સામાન્ય બની હતી.

વરસાદ દરમિયાન ફાયર અને બચાવ ટીમોએ 8 રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યા હતા. સનસિટી વિસ્તારમાં લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ગોતા વિસ્તારમાં પાણીમાં ફસાયેલી કારમાંથી 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે એક સ્કૂલ બસમાં ફસાયેલા 20ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.