Mon Sep 07 2026

Logo

આજે અમદાવાદમાં પડી શકે છે 8 ઇંચ વરસાદ, જાણો ગુજરાતના કયા 13 જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ધબધબાટી ?

2026-07-31 08:18:00
Author: Mayur Patel
આજે અમદાવાદમાં પડી શકે છે 8 ઇંચ વરસાદ, જાણો ગુજરાતના કયા 13 જિલ્લાઓમાં વરસાદ બોલાવશે ધબધબાટી ?

Ai Image


અમદાવાદઃ હાલ રાજ્યમાં ડીપ ડિપ્રેશન, મોનસૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બનતાં અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે અમદાવાદમાં 8 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. 

અમદાવાદમાં 31 જુલાઈ ના રોજ 8 ઇંચ અને નર્મદા જિલ્લામાં 12 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બાંચાનિધિ પાનીના જણાવ્યા મુજબ શહેરના તમામ ઇમરજન્સી વિભાગોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. 

કયા 13 જિલ્લાઓમાં ભારે વરસાદનું છે એલર્ટ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર  રાજ્યના 13 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF, SDRF અને ભારતીય સેના, નૌસેના તથા વાયુસેનાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટ્રોમની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. પવનની સ્પીડ 40થી 50 કિલોમીટર પ્રતિકલાકની રહેશે.

રાજ્યના કયા જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજો બંધ

રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, છોટાઉદેપુર, જામનગર, મહીસાગર, મહેસાણા, પંચમહાલ જિલ્લાઓમાં સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, કપડવંજ, દાહોદ, છોટા ઉદેપુર, મહીસાગર અને ભરૂચના કેટલાક ગામોમાં 4થી 20 ઈંચ સુધીનો તોતિંગ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, કડી, કલોલ, પાટણ, સાણંદ, માણસા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વિરામ બાદ સારો વરસાદ નોંધાશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદી ઝાપટાની શક્યતા છે. 6થી 8 ઓગસ્ટ દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બનશે. જો તેનો માર્ગ ગુજરાત તરફ રહેશે તો રાજ્યમાં ફરી પૂર આવી શકે છે. આ ઉપરાંત 14 ઓગસ્ટ સુધીમાં નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે.