અમદાવાદ: ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026માં મેળવેલી શાનદાર જીત બાદ ટ્રોફીને અમદાવાદના હનુમાન મંદિર લઈ જવા મામલે રાજકીય અને ખેલ જગતમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ટ્રોફી જીત્યા બાદ જય શાહ, ગૌતમ ગંભીર અને સૂર્યકુમાર યાદવ હનુમાનજીના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા, જેના પર TMC સાંસદ કીર્તિ આઝાદે સવાલો ઉઠાવ્યા હતા. હવે આ મુદ્દે મંદિરના પૂજારી ઈશ્વરદાસ ત્યાગીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે આસ્થા અને વિરોધ કરનારાઓ પર આકરા પ્રહારો કર્યા છે.
મંદિરના પૂજારી ઈશ્વરદાસ ત્યાગીએ જણાવ્યું કે સંસારમાં બે પ્રકારના લોકો હોય છે, એક આસ્તિક અને બીજા નાસ્તિક. જેમને ભગવાનમાં શ્રદ્ધા નથી તેઓ આવી વાતો કરશે જ, પરંતુ જે આસ્તિક છે તેઓ પ્રભુ પ્રત્યે પ્રેમ રાખે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે સ્ટેડિયમ અને મંદિર એક જ પ્રાંગણમાં હોવાથી જ્યારે પણ મોટી મેચ હોય છે ત્યારે ખેલાડીઓ દર્શન કરવા આવતા હોય છે. ફાઈનલ જીત્યા બાદ ખેલાડીઓ અને જય શાહ આભાર માનવા આવ્યા હતા, જેમાં કશું ખોટું નથી.
Ahmedabad, Gujarat: TMC MP and former cricketer Kirti Azad raised questions over Indian T20 captain Suryakumar Yadav, coach Gautam Gambhir, and ICC Chairman Jay Shah taking the World Cup trophy to the Hanuman Temple after winning the final.
— IANS (@ians_india) March 10, 2026
Ishwar Das Ji Maharaj of Hanuman Tekri… pic.twitter.com/3Gm8U02AMK
ખેલાડીઓની શ્રદ્ધા અને અટલ વિશ્વાસ
પૂજારીના જણાવ્યા અનુસાર, ફાઈનલ મેચ પહેલા પણ જય શાહ દર્શન કરવા આવ્યા હતા. કદાચ તેમના મનમાં ટીમની જીત અને સારા પ્રદર્શનનો ભાવ રહ્યો હશે. તેમણે ટાંક્યું કે જો ટીમ હારી ગઈ હોત તો લોકો કહેત કે પ્રાર્થના કરી છતાં હારી ગયા, અને હવે જીતી ગયા છે ત્યારે આસ્થા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ બધું પોતપોતાની વિચારધારા અને શ્રદ્ધાનો વિષય છે. હનુમાન ટેકરી મંદિરે ટીમની જીતની ખુશીમાં તમામ ભક્તો અને ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
બીજી તરફ, પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે પોતાનો વિરોધ યથાવત રાખતા કહ્યું કે ખેલનો કોઈ ધર્મ હોતો નથી. ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને ટીમમાં દરેક ધર્મના ખેલાડીઓ સામેલ હોય છે. તેમણે સંજુ સેમસન અને મોહમ્મદ સિરાજ જેવા ખેલાડીઓના પ્રદાનને યાદ કરતા કહ્યું કે ટીમને માત્ર એક જ ધર્મ સાથે જોડવી યોગ્ય નથી. આઝાદે દલીલ કરી હતી કે વ્યક્તિગત રીતે પોતે પણ હિન્દુ છે અને મંદિરે જાય છે, પરંતુ રમતને ધર્મ સાથે જોડવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ તફાવત રહેશે નહીં.