Tue Oct 06 2026

Logo

રૂ. 10 હજારમાં 10 વર્ષની જીમ મેમ્બરશિપ, જીમ માલિકને કર્મચારીઓએ રૂ. 1.66 કરોડનો ચૂનો લગાવ્યો

2026-09-20 14:07:00
Author: Pooja Shah
રૂ. 10 હજારમાં 10 વર્ષની જીમ મેમ્બરશિપ, જીમ માલિકને કર્મચારીઓએ રૂ. 1.66 કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદઃ શહેરના  જીમ લોંજના માલિક સાથે તેમના જ બે કર્મચારીઓએ મળી 1.66 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હોવાની માહિતી મળી હતી. મળતી વિગતો અનુસાર જીમ લોંજના વિજય સેંગર દ્વારા જીમની 10મી વર્ષગાંઠ નિમિત્તે 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપ આપવાની ઓફર રાખવામાં આવી હતી.

જોકે, 1 જુલાઈથી 10 જુલાઈ સુધીની આ ઓફર સમયમર્યાદા પૂરી થતાં બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જીમના માલિક વિજય સેંગર નવા પ્રોજેક્ટના કામે બે મહિના માટે બહારગામ ગયા હતા. તેમની ગેરહાજરીનો લાભ લઈ સેન્ટર હેડ જૈનિશ શુક્લા અને બ્રાન્ચ મેનેજર મનીષ શર્માએ બંધ થયેલી સ્કીમ ફરી શરૂ કરી 1500 લોકોને મેમ્બરશીપ વેચી 1.66 કરોડ રૂપિયા કથિત રીતે ઘરભેગા કરી દીધા હતા. જે અંગે સેંગરે ક્રાઇમબ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ આદરી છે. 

વિજય સેંગર 10 સપ્ટેમ્બરે પરત આવ્યા ત્યારે જીમમાં એવા ગ્રાહકો આવતા જોવા મળ્યા જેમણે અગાઉની સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું, પરંતુ તેમની પાસે જીમની ફી ભર્યાના પુરાવા હતા. આ રકમ જીમના સત્તાવાર બેંક ખાતામાં જમા થઈ ન હોવાનું ધ્યાનમાં આવતા તેમણે તપાસ કરાવી હતી. તપાસ દરમિયાન માલિકની ગેરહાજરીમાં બંધ થયેલી સ્કીમ ફરી શરૂ કરવામાં આવી હોવાનું જણાયુ હતું. સેંગરની ફરિયાદ મુજબ બ્રાન્ચ મેનેજર મનીષ શર્મા ગ્રાહકોને એજન્ટ તરીકે મળતો હતો અને 10 હજારમાં 10 વર્ષની મેમ્બરશિપની સ્કીમ સમજાવી યુપીઆઈ તથા રોકડથી નાણાં મેળવી મેમ્બરશિપ આપી દેતો હતો.

આ ઉપરાંત તમામ બ્રાન્ચના સ્ટાફને પણ સ્કીમ ચાલુ હોવાની જાણ કરવામાં આવી હતી. જૈનિશ શુક્લાએ ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કરવા પોતાની પત્ની ભારતી શુક્લા સાથે મળીને જીમમાં ભાગીદારી હોવાનું  ખોટું એગ્રીમેન્ટ બનાવ્યું હતું. જે એગ્રીમેન્ટના આધારે જીમ લોંજના મળતા નામથી બેંક ખાતું ખોલાવવામાં આવ્યું હતું અને મેમ્બરશિપની રકમ આ ખાતામાં લેવામાં આવતી હતી.

સેંગરની ગેરહાજરીમાં તેમના જ કર્મચારીઓ જૈનિશ શુક્લા, મનીષ શર્મા અને ભારતી શુક્લાએ મળીને બે મહિના દરમિયાન 1500થી વધુ ગ્રાહકોને મેમ્બરશિપ આપી હોવાનો અને અને રૂ.  1.66 કરોડથી વધુ રકમ મેળવવામાં આવી હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે વિજય સેંગરે ક્રાઇમ બ્રાંચની  આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.