Sun Sep 06 2026

Logo

22 વર્ષથી અતૂટ છે નાતો! અમદાવાદની આ દીકરી દર વર્ષે PM મોદીને મોકલે છે રાખડી, બાળપણમાં આપી હતી આ મોટી શિખામણ

2026-08-28 22:20:11
Author: Darshana Visaria
22 વર્ષથી અતૂટ છે નાતો! અમદાવાદની આ દીકરી દર વર્ષે PM મોદીને મોકલે છે રાખડી, બાળપણમાં આપી હતી આ મોટી શિખામણ

આજે દેશભરમાં ભાઈ-બહેનના અતૂટ પ્રેમ અને સ્નેહના પાવન પર્વ રક્ષાબંધનની ઉજવણી થઈ રહી છે. જોકે, આ બધા વચ્ચે અમદાવાદમાંથી એક હૃદયસ્પર્શી કહાણી સામે આવી છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી રીપલ પ્રજાપતિ વર્ષ 2004થી એટલે કે છેલ્લાં 22 વર્ષથી સતત દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને રાખડી મોકલીને ભાઈ-બહેનના વિશ્વાસની પવિત્ર પરંપરા નિભાવી રહી છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે રીપલ રૂબરૂ જઈને તેમના કાંડા પર રાખડી બાંધતી હતી. જોકે, 2014માં તેઓ વડા પ્રધાન બન્યા બાદ તેમની વ્યસ્તતા વચ્ચે પણ રીપલ દર વર્ષે નિયમિતપણે સ્પીડ પોસ્ટ દ્વારા PM મોદીને રાખડી અને શુભેચ્છા પત્ર મોકલે છે, જેના જવાબમાં વડાપ્રધાન કાર્યાલય તરફથી પણ હંમેશા આભાર પત્ર મોકલવામાં આવે છે.

રીપલ પ્રજાપતિ જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરતી હતી, ત્યારે ટીવી પર રક્ષાબંધનના કાર્યક્રમમાં બહેનોને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધતી જોઈ તેને પણ નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાની ઈચ્છા થઈ હતી.

રીપલના પિતા ભૂપેન્દ્ર પ્રજાપતિએ દીકરીની લાગણી સમજીને તે સમયે મુખ્ય પ્રધાન કાર્યાલય (CMO)માં ફેક્સ અને ઈ-મેઈલ કર્યો હતો. સીએમઓ તરફથી મુલાકાતનો કોલ આવતાં સમગ્ર પરિવારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને રીપલે પોતાના હાથે તેમને પહેલીવાર રાખડી બાંધી હતી.

વર્ષ 2004થી 2014 સુધી સતત 10 વર્ષ સુધી રીપલે રૂબરૂ જઈને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને રાખડી બાંધી હતી. 2014 પછી દિલ્હી ગયા બાદ પણ આ સિલસિલો સ્પીડ પોસ્ટના માધ્યમથી અવિરત ચાલુ રહ્યો છે.

મોદીજીની એક શિખામણે બદલી નાખી જિંદગી: 'ભણવામાં ધ્યાન રાખજે'
રીપલ પ્રજાપતિ પોતાની મુલાકાતને યાદ કરતાં જણાવે છે કે, બાળપણમાં જ્યારે તે મોદીજીને મળી ત્યારે તેમણે માથે હાથ મૂકીને કહ્યું હતું કે 'બેટા, ભણવામાં ધ્યાન રાખજે.' વડા પ્રધાનના આ શબ્દોને જીવનમંત્ર બનાવી રીપલે મન લગાવીને અભ્યાસ કર્યો. આજે રીપલે M.Com અને LLB ની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે અને હાલ ફાર્મા સેક્ટરમાં નોકરી કરી રહી છે. રીપલ અને તેના પિતા ભૂપેન્દ્રભાઈ આજે પણ આશા રાખી રહ્યા છે કે ફરી એકવાર તેમને રૂબરૂ મળીને વડા પ્રધાનના કાંડા પર રાખડી બાંધવાની તક મળશે.