Sun Apr 26 2026

Logo

ઑડિટ મામલે 153 ગ્રાન્ટ ઈન એડ સ્કૂલ પર અમદાવાદ ડીઈઓની તવાઈ

2026-04-26 17:18:35
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ફરજિયાત ફાયનાન્સિયલ ઓડિટ કરવામાં નિષ્ફળ રહેલી ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓ સામે કાર્યવાહી ન થવા અંગે અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.  જે જિલ્લા સ્તરે વહીવટી ઉદાસીનતા બતાવે છે. અમદાવાદમાં, જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ) એ 153 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ્સને જરૂરી એકાઉન્ટિંગ ઓડિટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ કડક નોટિસ ફટકારી છે. 

જે સ્કૂલે ઓડિટ નથી કર્યું તેમાં અનેક અગ્રણી સંસ્થાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે જો શાળાઓ સમયમર્યાદામાં ઓડિટ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય, તો મેનેજમેન્ટ સંસ્થાઓ અથવા આચાર્યો સ્ટાફના પગારની ચૂકવણી માટે જવાબદાર રહેશે. 

સ્કૂલ કમિશનરના નિર્દેશોને અનુસરીને, આ સંસ્થાઓને 7 મે થી 30 મે દરમિયાન આયોજિત ખાસ ઓડિટ કેમ્પમાં હાજરી આપીને તેમના બાકી રહેલા ઓડિટને ક્લિયર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે નિર્ધારિત સમયગાળામાં જો ઓડિટ નહીં કરવામાં આવે, તો કડક કાર્યવાહી થશે.

કાર્યવાહીમાં મેઈનટેનન્સ ગ્રાન્ટ અને સ્ટાફના પગારની ગ્રાન્ટ રદ કરવાનો પણ સમાવેશ થાય છે. કમિશનરની કચેરીએ અવલોકન કર્યું હતું કે ઘણા જિલ્લાઓએ ઓડિટ ટાળનારી શાળાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં ગંભીર બેદરકારી દાખવી છે. અમદાવાદની ઘણી શાળાઓ સહિત રાજ્યભરની મોટી સંખ્યામાં ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓએ નાણાકીય વર્ષ 2022-23 માટે ઓડિટ પૂર્ણ કર્યા નથી. કેટલાક કિસ્સાઓમાં ઓડિટ બેકલોગ એક દાયકાથી વધુ ચાલે છે, જેમાં 2005-06 અને 2010-11 ના રેકોર્ડ ચકાસાયેલા નથી.

થોડા સમય પહેલા એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન, રાજ્ય સત્તાવાળાઓએ જિલ્લા અધિકારીઓને ડિફોલ્ટ કરતી શાળાઓ સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી.