Tue Sep 15 2026

Logo

અમદાવાદ સિવિલમાં દારૂની પરમિટના નામે લાખોની ઉચાપત, પાંચ કર્મચારીઓ સામે ગાજ

2026-03-22 12:42:00
Author: Mumbai samachar Team
અમદાવાદ સિવિલમાં દારૂની પરમિટના નામે લાખોની ઉચાપત, પાંચ કર્મચારીઓ સામે ગાજ

અમદાવાદ: શહેરની અસારવા સિવિલ હોસ્પિટલસ જે દર્દીઓની સેવા માટે જાણીતી છે, ત્યાં લિકર પરમિટની આડમાં સરકારી નાણાંની ઉચાપતનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. હોસ્પિટલ કેમ્પસમાં આવેલી લિકર પરમિટ ઓફિસના જ કર્મચારીઓએ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું ખુલતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે. આ મામલે અત્યાર સુધીમાં ચાર આઉટસોર્સ્ડ કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે, જ્યારે એક સરકારી ક્લર્કને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. શાહીબાગ પોલીસ મથકે આ અંગે વિધિવત ફરિયાદ નોંધાતા સમગ્ર હોસ્પિટલ તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. જયંત સોલંકી દ્વારા નોંધાવવામાં આવેલી FIR મુજબ, લિકર પરમિટ રિન્યુઅલની પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી. નિયમ મુજબ, અરજદારોએ 25,000 રૂપિયા યુઝર ફી અને 20,000 રૂપિયા રિન્યુઅલ ફી ઓનલાઈન માધ્યમથી 'રોગી કલ્યાણ સમિતિ'ના એક્સિસ બેંકના ખાતામાં જમા કરાવવાની હોય છે. જોકે, આરોપીઓએ ભેગા મળીને અરજદારોને ઓનલાઈન પેમેન્ટને બદલે રોકડમાં નાણાં આપવા લલચાવ્યા હતા. આ રકમ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે આરોપીઓએ ખોટી રસીદો આપી અથવા રજિસ્ટરમાં મેન્યુઅલી એન્ટ્રી કરીને પોતાના ખિસ્સા ભર્યા હતા.

હોસ્પિટલના રેકોર્ડ્સના આંતરિક ઓડિટ દરમિયાન જાણવા મળ્યું કે, 1 જાન્યુઆરી 2026 થી 17 માર્ચ 2026 દરમિયાન ઓછામાં ઓછા નવ અરજદારોએ 20-20 હજાર રૂપિયાની રકમ રોકડમાં ચૂકવી હતી, જે ક્યારેય સત્તાવાર બેંક ખાતામાં પહોંચી જ નહોતી. પ્રાથમિક તપાસમાં અંદાજે 1.80 લાખ રૂપિયાની ઉચાપત સામે આવી છે. આ કૌભાંડમાં સંડોવાયેલા સિનિયર ક્લર્ક કરણસિંહ વાઘેલા, આઉટસોર્સ્ડ કર્મચારી નવીનચંદ્ર ડાભી અને વસંતકુમાર નિનામાની શાહીબાગ પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણેય વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ કૌભાંડ કેટલા સમયથી ચાલી રહ્યું હતું અને તેમાં અન્ય કોઈ મોટા અધિકારીઓની સંડોવણી છે કે કેમ, તે જાણવા માટે સિવિલ સત્તાધીશોએ પાંચ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ ઓફિસના રજિસ્ટર્સ, ડિજિટલ રેકોર્ડ્સ અને બેંક સ્ટેટમેન્ટ્સની ઝીણવટભરી તપાસ કરશે. પોલીસ પણ અત્યારે ઓફિસના ડિજિટલ પુરાવાઓ એકત્ર કરી રહી છે જેથી વધુ કોઈ અરજદારો છેતરાયા હોય તો તેની વિગતો જાણી શકાય. આગામી દિવસોમાં આ મામલે વધુ કેટલાક લોકો સામે કડક કાર્યવાહી થવાની પૂરેપૂરી શક્યતા છે.