(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: શહેરના ભદ્ર વિસ્તારમાં પાથરણાવાળાઓને હટાવવા અંગેના લાંબા સમયથી ચાલતા વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. વર્ષ 2014થી પડતર આ જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટના અમલ અને યોગ્ય સર્વે કર્યા વિના ભદ્ર પ્લાઝા વિસ્તારમાંથી ફેરિયાઓને હટાવી શકશે નહીં કે તેને 'નો વેન્ડિંગ ઝોન' જાહેર કરી શકશે નહીં.
કોર્ટે મનપાને આદેશ આપ્યો છે કે સર્ટિફાઈડ સ્ટ્રીટ વેન્ડર્સને અગાઉના પ્લાન મુજબ યોગ્ય જગ્યા ફાળવવામાં આવે અને આ માટે ફેરિયાઓને સાથે રાખીને જ નવી સ્કીમ તૈયાર કરવામાં આવે. હાઈકોર્ટે આ પ્રક્રિયા માટે કડક સમયમર્યાદા નક્કી કરતા આદેશ આપ્યો હતો કે આગામી 21 માર્ચ સુધીમાં ભદ્રના તમામ સર્ટિફાઈડ ફેરિયાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માટે મનપાના ત્રણ અધિકારીઓ અને એક સિનિયર પોલીસ અધિકારીની બનેલી કમિટી એક અઠવાડિયામાં સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ કરશે.
મનપાના રેકોર્ડ મુજબ ઉપલબ્ધ 844 જગ્યાઓ પૈકી જે 586 ફેરિયાઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે તેમને ભદ્રમાં જ સમાવવાના રહેશે, જ્યારે બાકીના 258 ફેરિયાઓને અન્યત્ર રિલોકેટ કરવાની વ્યવસ્થા કરવાની રહેશે. જોકે, આ વ્યવસ્થા દરમિયાન અવરજવરનો રસ્તો ન રોકાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી વહીવટીતંત્રની રહેશે અને આ મામલે વધુ સુનાવણી 17 એપ્રિલે યોજાશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.