અમદાવાદઃ અમદાવાદ શહેરમાં નશાકારક દ્રવ્યોની તસ્કરી ચિંતાજનક રીતે વધી રહી હતી. જો કે પોલીસની સતર્કતાના કારણે તસ્કરો તેમના મનસુબામાં સફળ થઈ શકતા નથી. નરોડા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી મેફેડ્રોનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 55.50 લાખની કિંમતનું 1.85 કિલોગ્રામ (1850 ગ્રામ) ગેરકાયદેસર મેફેડ્રોન ઝડપી મોટી સફળતા મેળવી હતી.આ ઉપરાંત પોલીસે નિખિલેશ નામના શખ્સની ધરપકડ કરી હતી.
બે પેકેટમાંથી કુલ 1850 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું
પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે, નિખિલેશ ચંદીગઢથી મેફેડ્રોનનો જથ્થો લઈને અમદાવાદ આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે શહેરના નાના ચિલોડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી. ત્યાર બાદ પોલીસે કર્ણાટકના બેંગલુરુના 24 વર્ષીય યુવકને ઘેરી લઈ તેની અંગઝડતી કરતા તેની પાસે રહેલા થેલામાં નશાકારક પદાર્થ મેફેડ્રોન મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પર જ પ્રાથમિક કેમિકલ ટેસ્ટ કિટ વડે પરીક્ષણ કરતા સદર પદાર્થ 'મેફેડ્રોન' હોવાનું ખૂલ્યું હતું. ડિજિટલ કાંટાથી વજન કરતા બે પેકેટમાંથી કુલ 1850 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
બે નાઇજિરિયનો પાસેથી મેફેડ્રોનનો જથ્થો મેળવ્યો હતો
તે યુવકે પોલીસ સમક્ષ કબુલ્યું હતું કે તે 15 સપ્ટેમ્બરના રોજ અમદાવાદથી ચંદીગઢ ડ્રગ્સ લેવા માટે ગયો હતો. ચંદીગઢમાં એક નાઇજિરિયન વ્યક્તિએ તેને મેફેડ્રોનનો જથ્થો આપ્યો હતો. આ નાઇજિરિયન શખસે તેને નાણાકીય લાલચ આપીને એક ફેરાના 1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું. ફ્રેન્કના કહેવાથી તે ચંદીગઢ ગયો હતો. જ્યાં કારમાં આવેલા બે અજાણ્યા નાઇજિરિયનો પાસેથી તેણે મેફેડ્રોનનો આ જથ્થો મેળવ્યો હતો.
મુખ્ય આરોપીને ઝડપવા પોલીસે કાર્યવાહી હાથ ધરી
પોલીસે આ મામલે ગુનો નોંધી નિખિલેશની ધરપકડ કર્યા બાદ હવે પોલીસ સમગ્ર ડ્રગ્સ નેટવર્કની કડીઓ શોધી રહી છે. ચંદીગઢમાં ડ્રગ્સનો જથ્થો આપનાર નાઇજિરિયન વ્યક્તિ કોણ છે અને આ જથ્થો અમદાવાદમાં કોને પહોંચાડવાનો હતો તે અંગે તપાસ ચાલી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.