Thu Sep 03 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પર જપ્ત આઈફોન-લક્ઝરી ઘડિયાળોની હરાજીમાં લાખોની બોલી લાગી

2026-05-09 22:08:40
Author: Devayat Khatana
અમદાવાદ એરપોર્ટ પર જપ્ત આઈફોન-લક્ઝરી ઘડિયાળોની હરાજીમાં લાખોની બોલી લાગી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા આઈફોન અને લક્ઝરી ઘડિયાળોની ઓનલાઈન હરાજીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા આયોજિત આ ઈ-હરાજીમાં વર્ષ 2019 થી 2023 દરમિયાન દાણચોરીના કેસોમાં પકડાયેલા 87 આઈફોન (આઈફોન 11 થી 15 સિરીઝ) અને 27 પ્રીમિયમ વિદેશી ઘડિયાળોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અંદાજે 10 વર્ષ બાદ યોજાયેલી આ મોટી હરાજીમાં ગેજેટ પ્રેમીઓ અને વેપારીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. હરાજી માટે નક્કી કરાયેલા સમય કરતા પણ મોડી સાંજ સુધી બિડિંગ પ્રક્રિયા ચાલુ રહી હતી, જેમાં અનેક લોકોએ ઓનલાઈન બિડિંગ કરતા પહેલા એરપોર્ટ પર જઈને વસ્તુઓનું રૂબરૂ નિરીક્ષણ પણ કર્યું હતું.

હરાજી દરમિયાન વિવિધ લોટ માટે બોલી લગાવનારાઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા જોવા મળી હતી. પ્રથમ લોટ માટે 265 બિડ્સ મળી હતી, જે રૂ. 5.18 લાખ પર બંધ થઈ હતી, જ્યારે બીજા લોટ માટે 205 બિડ્સ સાથે બોલી રૂ. 13.06 લાખ સુધી પહોંચી હતી. જોકે, બીજા લોટની બોલી વિભાગની અનામત કિંમત સુધી ન પહોંચતા તેની હરાજી હાલ પેન્ડિંગ રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, હજુ પણ અંદાજે 158 જેટલા જપ્ત કરાયેલા મોબાઈલ ફોન હરાજી માટે સરકારની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, જેનો અર્થ છે કે આગામી સમયમાં આવી જ બીજી મોટી હરાજી યોજાઈ શકે છે.