અમદાવાદઃ સંતાનને કારકિર્દીની પસંદગીનો અધિકાર છે, પરંતુ ઘણા માતા-પિતા પોતાની ઈચ્છાઓ તેમના પર થોપવાનો પ્રયાસ કરે છે. આવા જ એક કિસ્સામાં પોતાની પસંદગીની ફેકલ્ટીમાં જ ભણવાની ઈચ્છા રાખતી 16 વર્ષની વિદ્યાર્થિનીએ અભયમની ટીમની મદદ માગી હતી. વિદ્યાર્થિની આર્ટ્સ ફેકલ્ટીમાં આગળ ભણી સાયકોલોજિસ્ટ થવા માગતી હતી, પરંતુ મા-બાપ તેને કૉમર્સ લેવા માટે દબાણ કરતા હતા.
કિશોરી અમદાવાદના પૂર્વીય વિસ્તારમાં રહેતી હતી અને અંગ્રેજી મીડિયમમાં ભણતી હતી. એસએસસીમાં તેને 68 ટકા માર્ક્સ આવ્યા હતા. તે આર્ટ્સ ફેકલ્ટીમા આગળ વધવા માગતી હતી. જોકે ડાયમન્ડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા પિતાનો આગ્રહ હતો કે દીકરી કૉમર્સ લઈ સીએ અથવા એમબીએની ડિગ્રી મેળવે, તેમ અભયમના સૂત્રોએ જણાવ્યું હતું.
આ સાથે તેમના જણાવ્યા અનુસાર કિશોરી નાની હતી ત્યારે માતાનું મૃત્યુ થયું હતું અને પિતાએ બીજા લગ્ન કર્યા હતા, પરંતુ નવી માતાએ સંતાનને જન્મ આપતા તેમના સંબંધો પણ બગડ્યા હતા અને કિશોરી પોતાને અવગણવામાં આવતી હોય તેમ માનવા લાગી હતી. કારકિર્દીની પસંદગીનો વિષય એટલો ખેંચાયો હતો કે છોકરી તેનાં માસીને ઘરે રહેવા ચાલી ગઈ હતી.
અભયમના કાઉન્સિલરોએ પિતા સાથે વાત કરી તેમને દરેક ક્ષેત્રમાં નવી નવી તકો ઊભી થઈ હોવાનું સમજાવ્યું હતું. આ સાથે છોકરીને જે ક્ષેત્રમાં આગળ વધવું છે, તેમાં તેને વધવા દેવામાં આવે, તેવી સલાહ પણ આપી હતી. પિતા આ વાત સાથે સહમત થયા હતા, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.