Wed Jun 17 2026

Logo

કચ્છમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાયા બાદ ૧૯ હજાર મતદારો વધ્યા

2026-02-18 12:52:00
Author: Mayurkumar Patel
Article Image

ભુજ: સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન એટલે કે ખાસ સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં સરહદી જિલ્લા કચ્છમાં ૧૪.૯૫ લાખ જેટલા મતદારો આખરી મતદારયાદીમાં નોંધાયા છે અને ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાયા બાદ ૧૯ હજાર જેટલા મતદારો વધ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, 'સર'ની કામગીરી હાથ ધરાઈ તે પૂર્વે કચ્છમાં ૧૬,૯૦,૫૮૪ મતદાર હતા. ડ્રાફ્ટ મતદારયાદીમાં ૨.૧૪ લાખ મતદારોના નામ કમી થયાં હતાં. ત્યારબાદ મતદાર યાદીમાં ૩૨૭૯૫ જેટલા નવા મતદારો ઉમેરાયા તેની સામે ૧૩૪૧૯ મતદારોનાં નામ કમી થતાં હંગામી મતદારયાદી પછી કુલ્લ ૧૯૩૭૬ મતદારોનો વધારો થયો છે. આગામી ચૂંટણીઓમાં કચ્છમાં ૧૪,૯૫,૭૮૫ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

આખરી મતદારયાદી બાદ કચ્છમાં સૌથી વધુ મતદારો ભુજ વિધાનસભા મતક્ષેત્રમાં નોંધાયા છે. તો સૌથી ઓછા મતદારો રાપર મતવિસ્તારમાં નોંધાયા છે. જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી આનંદ પટેલ અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે જણાવ્યું હતું કે, ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી નામ કમી થયા બાદ હાથ ધરાયેલી બીજા તબક્કાની કામગીરીમાં ૨૩૬૬૪ ફોર્મ નંબર-૬,૨૮૪૦ ફોર્મ નંબર-૭ તેમજ ૨૨૨૧૪ ફોર્મ-૮ મંજૂર કરી આખરી મતદારયાદીમાં તેનો સમાવેશ કરાયો હતો. 

મુસદ્દા મતદાર યાદીમાં ૧૪,૭૬,૪૦૯ મતદારોનો સમાવેશ કરાયો હતો. નવા નામ નોંધણી માટે ફોર્મ-૬ રજૂ થવા,અન્ય વિધાનસભામાં સ્થળાંતર થવાના કારણો તેમજ ફોર્મ નંબર-૭ રજૂ થવાના લીધે ૧૯૩૭૬ મતદારોનો વધારો થતાં આખરી મતદારયાદી બાદ ૧૪,૯૫,૭૮૫  મતદારો સમાવિષ્ટ કરાયા હતા. 

તમામ માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિ સાથે બેઠક યોજી મતદાર યાદીની ફોટોવાળી નકલ પૂરી પાડવામાં આવી હતી, જયારે આખરી મતદારયાદી તમામ મતદાર મથકોએ પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આનંદ પટેલે વધુમાં જણાવ્યું હતું કે મુસદ્દા યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારે મૃત્યુ પામેલા, ગેરહાજર, કાયમી સ્થળાંતર અને અન્ય સ્થળ પર નોંધાયેલા ૨.૧૪ લાખ મતદારોનાં નામ મતદાર યાદીમાંથી બાકાત થતાં ભારે હોબાળો પણ મચ્યો હતો. મોટી સંખ્યામાં નામ કમી કરવા માટે મળેલી વાંધા અરજીઓનો ગહન અભ્યાસ કરી આખરી મતદારયાદી ચૂંટણીપંચના આદેશ અનુસાર પ્રસિદ્ધ કરાઈ છે.

(ઉત્સવ વૈદ્ય)