ન્યૂ ચંડીગઢ: ભારત સામેની ટેસ્ટ મૅચમાં રવિવારના બીજા દિવસે ઉપરાઉપરી બે બૉલમાં ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (DRS)ની મદદ ન લેવાની ભૂલ અફઘાનિસ્તાનને ભારે પડી રહી છે. બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમના કોચ રિચર્ડ પાયબસે ડીઆરએસ બાબતમાં પોતાની ટીમની ભૂલો કબૂલ કરી છે.
બાંગ્લાદેશી અમ્પાયરની ભૂલ, અફઘાનીઓની નાહિંમત
અફઘાનિસ્તાનના ખેલાડીઓ ન્યૂ ચંડીગઢની 40 ડિગ્રીની ગરમીમાં રવિવારના બીજા દિવસે ભારત સામેનો પરાજય ટાળવા તનતોડ મહેનત કરી રહ્યા હતા એવામાં બાંગ્લાદેશી અમ્પાયર (UMPIRE) શરફુદૌલા સૈકતે બે બૉલમાં બે બ્લન્ડર કર્યા હતા.
અસહ્ય ગરમીમાં ભારે હતાશા
કાળઝાળ ગરમીમાં ખેલાડીઓએ મેદાન પર રમવું પડતું હોય અને એમાં જો અમ્પાયરની ભૂલને કારણે અને પોતાનામાં રહેલી કચાશને લીધે બે મોટી વિકેટથી વંચિત રહેવું પડે તો ખેલાડીઓને કેવી હતાશ થાય એ સમજી શકાય છે.

રાહુલ, ગિલ, પંતને લાભ
શનિવારના પહેલા દિવસે કેએલ રાહુલને અમ્પાયરની ભૂલ અને રિવ્યુની મદદ ન લેવાની અફઘાનિસ્તાનીઓના નિર્ણયથી ફાયદો થયો હતો. પછીથી રાહુલે સેન્ચુરી પૂરી કરી હતી. અફઘાનિસ્તાનની ટીમ પાસે રવિવારે એક જ રિવ્યૂ બાકી હતું કારણકે પહેલા બે રિવ્યૂ તેઓ ગુમાવી ચૂક્યા હતા. 89મી ઓવર ઓમરઝાઇએ કરી હતી જેનો ચોથો બૉલ ગિલને પૅડ પર વાગ્યો હતો અને ખેલાડીઓએ અપીલ કરી હતી. જોકે અમ્પાયરે તો તેને નોટ આઉટ જાહેર કર્યો હતો, પરંતુ અફઘાનિસ્તાનના કેપ્ટન શાહીદીએ ડીઆરએસની મદદ લેવાનું ટાળ્યું હતું. પછીથી રિપ્લેમાં જોવા મળ્યું કે એ બૉલ ગિલને પૅડ પર ન વાગ્યો હોત તો તેનું લેગ સ્ટમ્પ ઉખડી ગયું હોત. ગિલ ત્યારે 108 રન પર રમી રહ્યો હતો અને ઘણા સમય બાદ 126 રન પર તેણે વિકેટ ગુમાવી હતી.
એ પછીના જ બૉલમાં અમ્પાયરે ફરી બ્લન્ડર કર્યું હતું. 81 રન પર વિકેટ ગુમાવનાર રિષભ પંત ત્યારે 54 રન પર હતો અને ઓમરઝાઈનો બૉલ તેના થાય પૅડને સ્પર્શીને પાછળ ગયો હતો અને વિકેટકીપરે બૉલ ઝીલી લીધો હતો. અમ્પાયર એ અપીલ પણ નકારી દીધી હતી. અફઘાનિસ્તાને ફરી રિવ્યૂ લેવાનું ટાળ્યું હતું. જોકે અલ્ટ્રા એજમાં ખબર પડી કે બૉલ પંતના બૅટને અડીને વિકેટકીપર તરફ ગયો હતો.
અફઘાનિસ્તાનની આ કેટલીક ભૂલો ભારતીય ટીમને કાયદારૂપ સાબિત થઈ હતી. ભારતે આઠ વિકેટે 564 રનના સ્કોર પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.
અફઘાનિસ્તાનના કોચ રિચર્ડ પાયબસે પોતાની ટીમની ભૂલ કબૂલ કરતા કહ્યું હતું કે ‘અમે ડીઆરએસ લેવાની બાબતમાં ગરબડ કરી નાખી. જ્યારે ડીઆરએસની મદદ લેવાનો સમય આવ્યો હતો ત્યારે અમારા ખેલાડીઓ હિંમત જ ગુમાવી બેઠા હતા. બીજી રીતે કહું છું તેઓ નિર્ણય બરાબર નહોતા લઈ શક્યા. કેપ્ટન સાથે મળીને અમારી ટીમના બે-ત્રણ ખેલાડીઓ ડીઆરએસ વિશે અભિપ્રાય આપતા હોય છે. જોકે તેમની વચ્ચે સહમતિ નહોતી એટલે તેમણે બંને વખત રિવ્યૂ લેવાનું ટાળ્યું હતું.'