ભુજ: કચ્છમાં સરકારી પડતર જમીનો પર ખડકાયેલા ગેરકાયદે દબાણોને ધુળભેગા કરવા વહીવટી તંત્ર દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત નખત્રાણા તાલુકાના સરહદી પંથકમાં અને મુન્દ્રાના મોટી ભુજપર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરીને કિંમતની સરકારી જમીનોને દબાણમુક્ત કરાવી તંત્રએ પોતાનો કબ્જો મેળવ્યો છે.
પ્રથમ મોટી કાર્યવાહી નખત્રાણા તાલુકાના સરહદી વિસ્તારમાં લુડબાય જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા ઢોરો, લુડબાય, ઊઠંગડી અને વજીરાવાંઢ ગામોમાં કરવામાં આવી હતી. આ વિસ્તારોમાં સરકારી પડતર જમીન પર બિનઅધિકૃત રીતે વ્યવસાયિક બાંધકામો ખડકી દેવાયા હતા. આ અંગે નખત્રાણા મામલતદાર આર.ડી. પટેલ દ્વારા દબાણકર્તાઓને અગાઉથી જ કાયદેસરની નોટિસો પાઠવવામાં આવી હતી. નખત્રાણાના પ્રાંત અધિકારી, મામલતદારના સીધા માર્ગદર્શન હેઠળ સર્કલ ઓફિસર, વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોંચી ઓપરેશન શરૂ કર્યું હતું.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કાફલાની હાજરીમાં જેસીબી અને બુલડોઝર વડે ગેરકાયદે કોમર્શિયલ બાંધકામો તોડી પડાયા હતા. આ કામગીરી દરમિયાન હાઈવે પર આવેલી ગેરકાયદે લોજ, ખાણીપીણીની હોટેલો અને કરિયાણાની દુકાનો સહિતના ૫ મોટા દબાણો જમીનદોસ્ત કરાયા હતા, જેમાં ઢોરો ગામના ઉમીદ અલી સુમરા અને જબાર ખાન મુતવા, લુડબાયના વહાબ જત, ઉઠંગડીના ખાનમામદ રમજાન ભટ્ટી તેમજ વજીરાવાંઢના મામદ રહીમ હાજી શરુ જતના ગેરકાયદે બાંધકામોનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા કુલ ૬,૬૮૫ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ છે, જેની સરકારી કિંમત રૂા. ૮,૦૪,૬૨૫ આંકવામાં આવી છે.
બીજી કાર્યવાહી મુન્દ્રા તાલુકાના મોટી ભુજપર ગામે સરકારી ટ્રાવર્સ સર્વે નંબર ૭૧૩ પૈકીની જમીન પર પાડવામાં આવી હતી. અહીં સ્થાનિક દબાણકર્તા સમીર હાસમ ચાકી દ્વારા આશરે ૪૦૦ ચોરસ મીટર સરકારી જમીન પર વાણિજ્ય (બિઝનેસ) હેતુ માટે ગેરકાયદેસર કબ્જો કરવામાં આવ્યો હતો. આ અંગે મુંદરા મામલતદાર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરી, દબાણકર્તાને રજૂઆતની પૂરતી તક આપ્યા બાદ જમીન ખાલી કરવાનો આખરી હુકમ કરાયો હતો.
કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયા અને મુન્દ્રા પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના આદેશથી મામલતદાર કે.એસ. ગોંદિયા અને તેમની રેવન્યુ ટીમે પોલીસ પ્રોટેક્શન સાથે ઘટનાસ્થળે જઈને આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. વાણિજ્ય હેતુ માટેની જંત્રીના દર મુજબ આ ૪૦૦ ચોરસ મીટર જમીનની બજાર કિંમત રૂા. ૩,૬૦,૦૦૦ જેટલી થવા જાય છે. તંત્રએ આ કિંમતી જમીન પરથી દબાણ હટાવીને સરકાર હસ્તક કબ્જો સુપ્રત કર્યો છે. વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીને પગલે સમગ્ર જિલ્લાના ભૂમાફિયાઓ અને દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
(ઉત્સવ વૈદ્ય)