Tue Oct 06 2026

Logo

આદિપુરમાં નેપાળી કામવાળીનો ‘હાથફેરો’, તક મળતાં જ ઉદ્યોગપતિના ઘરમાંથી રૂ.૧૧.૭૨ લાખની મત્તા તફડાવી ફરાર

2026-03-21 14:34:00
Author: Mumbai samachar Team
આદિપુરમાં નેપાળી કામવાળીનો ‘હાથફેરો’, તક મળતાં જ ઉદ્યોગપતિના ઘરમાંથી રૂ.૧૧.૭૨ લાખની મત્તા તફડાવી ફરાર

ભુજઃ પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ સંકુલના  આદિપુર શહેરના વોર્ડ નંબર ૬-સી  વિસ્તારમાં રહેતા અને શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા એક ઉદ્યોગપતિના ઘરે કામ કરતી 'વિશ્વાસુ' નેપાળી મહિલા તક મળતા જ રોકડ અને કિંમતી ઘરેણાં મળી કુલ રૂ.૧૧.૭૨ લાખની માલમતાની ચોરી કરી ફરાર થઈ ગઈ હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ચકચાર પ્રસરી જવા પામી છે.

નોકર-ચાકરોના ભરોસે ઘરને છોડી જતા પરિવારો માટે લાલબત્તી સમાન ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આદિપુરના વોર્ડ ૬-સીમાં રહેતા અને કસ્ટમ ક્લિયરન્સની ફર્મ ચલાવતા ગગનપ્રીતસિંઘ ઓલકના ઘરે સલીના માલા (મૂળ રહે. નેપાળ, હાલ રહે. પૂણે) નામની મહિલા ઘરઘાટી તરીકે કામ કરતી હતી. ગત ગુરુવારે જ્યારે ગગનભાઈ કામ અર્થે મુંદ્રા ગયા હતા, ત્યારે બપોરના સમયે તેમની પત્નીએ ઘરમાં સામાન વેરવિખેર જોતા ચોરી થઇ  હોવાનું બહાર આવ્યું હતું.

ઘરની પરિસ્થિતિથી વાકેફ કામવાળી બાઈએ ઉપર અને નીચેના એમ બંને માળના રૂમમાં રાખેલા કબાટના ડ્રૉઅર તોડી નાખ્યા હતા. ગગનભાઈએ ઘરે પરત ફરી તપાસ કરતા તેમની વિશ્વાસુ કામવાળી બાઈ રૂ.૪.૨૫ લાખ રોકડા, સોનાની રિયલ ડાયમંડવાળી બુટ્ટી, સોનાનું કડું, ડાયમંડ રિંગ અને પેન્ડન્ટ સેટ, પરિવારના ચાર પાસપોર્ટ સહિતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગઈ હોવાનું તેમને જાણવા મળ્યું હતું.

બનાવ અંગે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પી.આઈ. એમ.સી. વાળાના જણાવ્યા અનુસાર, આરોપી મહિલા સલીનાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસને પ્રાથમિક શંકા છે કે મહિલા ચોરી કર્યા બાદ તાત્કાલિક કચ્છની સરહદ વટાવી બહાર નાસી ગઈ હોઈ શકે છે. હાલમાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે. ઘરની દેખરેખ માટે રાખેલી મહિલાએ જ મોકો જોઈને આટલી મોટી રકમ અને ઘરેણાંની ચોરી કરી લેતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.

(ઉત્સવ વૈદ્ય)