Tue Aug 18 2026

Logo

ઘરકામના બહાને ચોરી કરતી નેપાળી ગેંગનો પર્દાફાશ, મહારાષ્ટ્ર ક્નેક્શન બહાર આવ્યું

2026-08-14 20:20:00
Author: Mumbai Samachar Team
Article Image

Chat GPT Generated Image


ભુજ: ઘરકામના બહાને ઘરમાં ઘૂસી મકાનમાલિકોનો વિશ્વાસ કેળવી ઘરફોડ ચોરી આચરતી નેપાળી મહિલાઓના મોડસ ઓપરેન્ડીનો આદિપુર પોલીસે પર્દાફાશ કર્યો છે.આ કેસમાં પોલીસે કાયદેસરના પગલાં લઈને નેપાળી મહિલાઓની પૂછપરછ શરૂ કરી છે. પોલીસે બે નેપાળી મહિલાઓની રૂ. 1.85 લાખથી વધુના મુદ્દામાલ સાથે અટકાયત કરી ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં આચરેલી રૂ.1 કરોડથી વધુની કુલ 6 વણશોધાયેલી ચોરીઓના ભેદ ઉકેલી નાખ્યા છે. આજથી ચારેક મહિના પહેલા આદિપુરના પ્લોટ નં. 192 (વોર્ડ-6/સી)માં ઘરકામ કરતી નેપાળી મહિલા મકાનમાલિક બહાર જતાં જ પોતાના સાગરીતોને બોલાવી ચોરી કરી ભાગી ગઈ હતી. 

કોણ છે આ મહિલા?

આદિપુર પોલીસ અને ગાંધીધામ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે હ્યુમન ઈન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન આ જ ગેંગની મહિલાઓ આદિપુરની વિવિધ સોસાયટીઓમાં ઘરકામ શોધવાના બહાને ફરી રહી હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે સલીના ધનબહાદુર શાહી અને રવીના શાહી (રહે. બંને નેપાળ)ને દબોચી લીધી હતી. ઝડપાયેલી મહિલાઓની કડક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેમણે આદિપુર ઉપરાંત મહારાષ્ટ્રના પુણે અને થાણે તેમજ બેંગલુરુમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લાખોની ચોરી આચરી હતી. તેઓ પોશ વિસ્તારોમાં ઘરકામ રાખી પરિવાર બહાર જાય ત્યારે સાગરીતો સાથે મળી ચોરી કરી ફ્લાઈટ કે પ્રાઈવેટ વાહન મારફતે નેપાળ ભાગી જઈ માલ વેચી દેતી હતી. 

આટલી રકમની વસ્તુ મળી

પોલીસે તેમની પાસેથી સોનાની ડાયમંડ રિંગ, રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ રૂ.1,85,790નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ નેપાળી પુરુષ સાગરીતોને પકડવા પોલીસે કવાયત આદરી છે.આ માટે પોલીસે જુદી જુદી ટુકડી બનાવીના તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ મહિલાઓની પૂછપરછમાં અન્ય કોઈ વિગત મળે છે કે, એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ પહેલા ચોરીની ઘટનાને લઈને તેમાંથી કોઈ જોડાયેલી છે કે નહીં એ અંગે પણ તજવીજ ચાલું કરવામાં આવી છે.