Sat Sep 05 2026

Logo

આદિપુરમાં પાંઉભાજીના વેપારીના નામે મની ટ્રાન્સફર સંચાલક સાથે રૂ.૨.૩૦ લાખની સાયબર ઠગાઈ

2026-09-02 13:50:00
Author: Mumbai Samachar Team
આદિપુરમાં પાંઉભાજીના વેપારીના નામે મની ટ્રાન્સફર સંચાલક સાથે રૂ.૨.૩૦ લાખની સાયબર ઠગાઈ

ભુજ: આદિપુર શહેરના નગરપાલિકા કોમ્પ્લેક્સમાં 'ગુરુકૃપા મોબાઈલ' નામની દુકાન ચલાવતા અને મની ટ્રાન્સફરનું કામ કરતા વેપારી સાથે ચાલાકીપૂર્વક રૂ ૨,૨૯,૯૯૪ની સાયબર છેતરપિંડી થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતાં વેપારી આલમમાં ભારે ચકચાર પ્રસરી જવા પામી છે.

મળતી વિગતો મુજબ, વોર્ડ-૨ બીમાં રહેતા વેપારી મનદીપસિંહ દલજીતસિંહ લાલવાનીને ગત તા. ૨૯ ઓગસ્ટના રોજ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ શહેરની જાણીતી 'રાજ પાંઉભાજી'ના માલિક હિતેશ તરીકે આપી રૂ.૨.૩૦ લાખ મની ટ્રાન્સફર કરવા કહ્યું હતું. વેપારીએ રૂબરૂ આવવાનું કહેતાં, ઠગે 'પોતાના છોકરાને મોકલું છું' તેમ જણાવ્યું હતું.

ત્યારબાદ પાંઉભાજીની દુકાનનો દેવ ધનવાણી નામનો યુવક મનદીપસિંહની દુકાને પહોંચ્યો હતો. તેણે પોતાના ફોન પર વાત કરાવતાં સામા છેડે રહેલા ઠગે 'આ છોકરો તમને પેમેન્ટ આપી દેશે' તેમ કહી વિશ્વાસ જીત્યો હતો. મનદીપસિંહે ચાલુ ફોને ઠગના જણાવ્યા મુજબ જુદા જુદા બેંક ખાતામાં ટુકડે-ટુકડે કુલ રૂપિયા ૨,૨૯,૯૯૪ ટ્રાન્સફર કરી દીધા હતા.

ટ્રાન્સફર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મનદીપસિંહે દેવ પાસે નાણાંની માગણી કરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. દેવે જણાવ્યું હતું કે, અજાણ્યા ગ્રાહકે તેમની દુકાને ૧૫૦ પ્લેટ પાંઉભાજી અને ૧૫૦ પ્લેટ પુલાવનો ઓર્ડર આપી, તેનું રૂ.૨૦,૦૦૦નું એડવાન્સ પેમેન્ટ મનદીપસિંહ પાસેથી લઈ જવા કહ્યું હતું! આદિપુર પોલીસે આયોજનબદ્ધ રીતે આચરાયેલી આ ઠગાઈ અંગે ગુનો નોંધી ભેજાબાજ આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

ઉત્સવ વૈદ્ય