ભુજઃ રાધનપુર-સામખિયાળી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આડેસરથી માખેલ વચ્ચે એકલધારા પાસે માર્ગની બાજુમાંથી એક અજાણી મહિલાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં આડેસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આખરે આ મહિલાનું મોત કેવી રીતે થયું અને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં કેવો ખુલાસો થયો?
પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના ગળામાં દુપટ્ટો બાંધેલો જોવા મળ્યો છે. હિન્દીભાષી મનાતી આ મહિલાના એક હાથ પર હિન્દીમાં ‘લક્ષ્મણ એન્ડ પૂજા’ તથા બીજા હાથ પર અંગ્રેજીમાં ‘P.P.’ ત્રોફાવેલું છે. મૃતદેહ પર કોઈ ઘરેણાં કે દાગીના યથાવત મળી આવ્યા હોવાથી લૂંટનો ઈરાદો ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. આડેસર પોલીસના જણાવ્યા પ્રમાણે, મહિલાના શરીર પર દેખીતી ઈજાના કોઈ નિશાન નથી, જેથી મોતનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલવામાં આવ્યો છે. મૃતકની ઓળખ મેળવવા આડેસર પોલીસે વાલીવારસોને સંપર્ક કરવા અપીલ કરી છે.
બીજી તરફ, ગાંધીધામ-કંડલા માર્ગ પર ઈમામી કંપની નજીક ગત બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં શિપિંગ ક્ષેત્રના જાણીતા પત્રકાર પી.જી. નાયર (ઉં.વ.૬૮)નું મોત નીપજતાં આ બનાવથી અખબારી આલમ સહિત સ્થાનિક પત્રકારત્વ ક્ષેત્રે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
અકસ્માત સર્જી અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે 'એક્ઝિમ' અખબાર સાથે લાંબા સમયથી જોડાયેલા પત્રકાર પી.જી.નાયર પોતાની કાર લઈને કંડલા તરફ જઈ રહ્યા હતા ત્યારે બપોરે 03:30 વાગ્યાના અરસામાં એક પૂરપાટ ઝડપે આવેલા અજાણ્યા વાહને તેમની કારને ટક્કર મારી દીધી હતી. અકસ્માત બાદ અજાણ્યો વાહનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં જ પરિજનો સ્થળ પર પહોંચ્યા હતા અને 108 મારફતે તેમને તાત્કાલિક ગાંધધામની રામબાગ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. કંડલા મરીન પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)