Thu Sep 10 2026

Logo

મેં સાડી પહેરી હતી, ક્યાંય અશ્લીલતા નહોતી" ટ્રોલિંગથી પરેશાન MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની રડતા રડતા સ્પષ્ટતા

2026-04-13 22:55:01
Author: Devayat Khatana
મેં સાડી પહેરી હતી, ક્યાંય અશ્લીલતા નહોતી" ટ્રોલિંગથી પરેશાન MS યુનિવર્સિટીની વિદ્યાર્થિનીની રડતા રડતા સ્પષ્ટતા

વડોદરા: હાલ વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમ હાલ વિવાદોના વંટોળે ચડ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થિનીએ માધુરી દીક્ષિતના જાણીતા ગીત 'ધક-ધક' પર ડાન્સ કર્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારોને લઈને અનેક સવાલો ઉભા થયા છે. આ વીડિયો સામે આવતા જ 'સંસ્કારી નગરી' તરીકે ઓળખાતા વડોદરાના શૈક્ષણિક વાતાવરણમાં ખળભળાટ મચી ગયો છે.

આ વીડિયોના મુદ્દે કોંગ્રેસ અને NSUI દ્વારા આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિપક્ષી સંગઠનોએ સવાલ ઉઠાવ્યો હતો કે 'સંસ્કાર સંગમ' જેવા નામ હેઠળ યોજાતા કાર્યક્રમમાં આ પ્રકારનું પ્રદર્શન કેવી રીતે યોગ્ય ગણાય? સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ વિદ્યાર્થિનીને ભારે ટ્રોલ કરવામાં આવી હતી, જેના કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. સ્થાનિક નેતાઓ અને લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને યુનિવર્સિટી પ્રશાસનની કામગીરી સામે આંગળી ચિંધાઈ રહી છે.

વિવાદ વકરતા સોશિયલ મીડિયા પર વિદ્યાર્થિનીનો એક રડતો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તેણે પોતાની સફાઈ આપી છે. વિદ્યાર્થિનીએ રડતા રડતા માફી માંગતા જણાવ્યું હતું કે તેને ખ્યાલ નહોતો કે આટલો મોટો હંગામો થશે. તેણે વધુમાં ઉમેર્યું કે, "કદાચ ગીતની પસંદગી ખોટી હોઈ શકે, પરંતુ મેં સાડી પહેરી હતી અને પ્રદર્શનમાં ક્યાંય અશ્લીલતા નહોતી. તેમ છતાં સોશિયલ મીડિયા પર જે રીતે નકારાત્મક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, તેનાથી તેને માનસિક યાતના મળી રહી છે." વિદ્યાર્થિનીએ એમ પણ સ્પષ્ટ કર્યું કે તે કોઈ પણ રાજકીય સંગઠન સાથે જોડાયેલી નથી.

બીજી તરફ, વાર્ષિક પરીક્ષાઓ નજીક હોવા છતાં યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસને બદલે આવા કાર્યક્રમોના આયોજન બદલ સત્તાધીશોની આકરી ટીકા થઈ રહી છે. વાલીઓ અને શિક્ષણવિદો માની રહ્યા છે કે આ પ્રકારના વિવાદોથી યુનિવર્સિટીની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે. હાલ આ સમગ્ર મામલો વડોદરાના રાજકારણ અને શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે.