Sun Jun 28 2026

Logo

કેનવાસ: અપૂર્ણતાનું અસાધારણ સૌંદર્ય:  જે અધૂરું છે, તે જ શાશ્ર્વત છે!

2026-06-28 09:44:00
Author: Abhimanyu Modi
Article Image

 

 

 

- અભિમન્યુ મોદી

 

માઇકલ એન્જેલોનાં ‘ગુલામ’ સિરીઝનાં અધૂરાં શિલ્પો

 

 આપણા માનવીય સ્વભાવમાં ‘પૂર્ણતા’ માટેનો એક વિચિત્ર આગ્રહ જડાયેલો છે. આપણને વાર્તાનો અંત સાંભળવો ગમે છે, હિસાબના ચોપડાનો છેલ્લો સરવાળો મેળવવો ગમે છે અને ઇમારતનું છેલ્લું શિખર મુકાય ત્યાં સુધીની અધિરાઈ રહે છે. 

બાળપણથી જ આપણા મગજમાં એવું ઠસાવવામાં આવે છે કે જે પૂર્ણ છે તે જ સુંદર છે. એક સંપૂર્ણ ગોળાકાર, એક દોષરહિત ચહેરો કે સુખાંત પૂરી થતી નવલકથા આપણને એક પ્રકારની માનસિક શાંતિ આપે છે, પરંતુ પૂર્ણતાની આ વ્યાખ્યામાં એક બહુ મોટી મર્યાદા છે. જે વસ્તુ પૂર્ણ થઈ જાય છે, ત્યાં એક અદૃશ્ય પૂર્ણવિરામ મુકાઈ જાય છે. પૂર્ણતા એ અંત છે.  ત્યાંથી આગળ વિચારવાનો કોઈ અવકાશ રહેતો નથી. જ્યારે કળા, સાહિત્ય અને ખુદ જીવનમાં ‘અપૂર્ણતા’નું એક એવું ગહન અને અસાધારણ સૌંદર્ય છુપાયેલું છે, જે સીધું આત્માને સ્પર્શે છે.

 

 વિશ્વના મહાન શિલ્પકાર માઇકેલ એન્જલોનાં અનેકવિધ સર્જન પર નજર કરીએ તો આ વાત વધુ સ્પષ્ટ થાય છે. તેમનું સંપૂર્ણ કંડારેલું ‘ડેવિડ’નું શિલ્પ વિશ્વની અજાયબી મનાય છે, પણ જો તમે ક્યારેય તેમના અર્ધ-કંડારેલાં શિલ્પો, જેને ‘ધ સ્લેવ્ઝ’ (ગુલામો) તરીકે ઓળખવામાં આવે છે, તે જુઓ તો એક અલગ જ અનુભૂતિ થાય છે. આ શિલ્પોમાં અડધો હિસ્સો આરસપહાણના ખરબચડા પથ્થરમાં જ જકડાયેલો છે અને અડધું શરીર એમાંથી બહાર આવવા મથામણ કરી રહ્યું છે. આ અધૂરાં શિલ્પો જોઈને એવું લાગે છે જાણે કોઈ જીવંત આત્મા પથ્થરની કેદમાંથી મુક્ત થવા તરફડી રહ્યો છે. માઇકેલ એન્જલોએ તેને જાણીજોઈને અધૂરા મૂક્યા હતા કે કેમ તે એક રહસ્ય છે, પણ એ અપૂર્ણ પથ્થરોમાં જે જીવંતતા અને સંઘર્ષ છે, તે સંપૂર્ણ શિલ્પોમાં પણ નથી. કળાના જગતમાં તેને ‘નોન-ફિનિટો’ (ગજ્ઞક્ષ-રશક્ષશજ્ઞિં) એટલે કે અપૂર્ણતાની કળા કહેવાય છે, જ્યાં અધૂરપ જ સૌથી મોટી અભિવ્યક્તિ બની જાય છે.

 

 સ્થાપત્ય અને ઇતિહાસ પણ આ અપૂર્ણતાના આકર્ષણથી બાકાત નથી. આગ્રામાં યમુનાના કિનારે ઊભેલો શ્વેત તાજમહેલ એ પૂર્ણતાનું સર્વોચ્ચ શિખર છે, પણ એ જ તાજમહેલની બરોબર સામે નદીની પેલે પાર, શાહજહાં એક બીજો કાળા આરસપહાણનો ‘બ્લેક તાજમહેલ’ બનાવવા માગતો હતો, જે ક્યારેય બની શક્યો નહીં. ઇતિહાસકારો ભલે તેને એક દંતકથા માને, પણ એ અસ્તિત્વમાં ન આવેલા અધૂરા તાજમહેલનું ખેંચાણ સદીઓથી કવિઓ અને કલાકારોને મોહિત કરતું રહ્યું છે. જે બંધાઈ ગયું છે, તેને સમયનો કાટ લાગે છે, તેના પર ઋતુઓની અસર થાય છે. પણ જે અધૂરું રહી ગયું છે, તે સમયની સીમાઓથી પર થઈ જાય છે. તે ક્યારેય ખંડિત થતું નથી, કારણ કે તેનું અસ્તિત્વ માણસની કલ્પનામાં સુરક્ષિત થઈ ગયું હોય છે.

 

સાહિત્યમાં પણ એ જ વાર્તાઓ કે કવિતાઓ પેઢીઓ સુધી જીવંત રહે છે, જેના અંત ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હોય. જે નવલકથાના અંતે બધા જ પ્રશ્નોના જવાબ મળી જાય અને હીરો-હીરોઇન સુખરૂપ ભેગા થઈ જાય  તે પુસ્તક બંધ થતાં જ વાચકના મનમાંથી ભૂંસાઈ જાય છે , પણ ફ્રાન્ઝ કાફકા જેવા સર્જકોની એવી અધૂરી વાર્તાઓ, જ્યાં લેખક અચાનક જ કલમ રોકી લે છે, તે વાચકને આજીવન જકડી રાખે છે. લેખકે છોડેલા એ શૂન્યાવકાશમાં વાચક પોતાની કલ્પનાઓ, પોતાના દુ:ખ અને પોતાની સમજણ ભરે છે. વાર્તામાં જ્યારે શબ્દો ખૂટી પડે છે ત્યારે એ મૌન પોતે જ એક સંવાદ બની જાય છે. અપૂર્ણતા વાચકને માત્ર પ્રેક્ષક નથી રહેવા દેતી, તેને સર્જનનો હિસ્સો બનાવી દે છે.

 

આપણને આ અપૂર્ણતા કેમ આટલી બધી સ્પર્શે છે? કારણ કે ગમે તેટલો ઇનકાર કરીએ, પણ આપણું માનવીય અસ્તિત્વ પોતે જ મૂળભૂત રીતે અપૂર્ણ છે. દુનિયાનો કોઈ પણ માણસ પોતાની જિંદગીના તમામ હિસાબો પૂરા કરીને, બધી જ ઈચ્છાઓ સંતોષીને વિદાય નથી લેતો. મૃત્યુ ક્યારેય એક સુવ્યવસ્થિત ક્લાઈમેક્સની રાહ નથી જોતું. કોઈકનો કબાટ ગોઠવવાનો બાકી રહી જાય છે, કોઈકની ચા ટેબલ પર ઠરી જાય છે, કોઈકની માફી માંગવાની કે કોઈકને પ્રેમ કરવાની વાત હોઠ સુધી આવીને અટકી જાય છે. આપણા બધાની જિંદગીમાં એક એવો સંબંધ હોય છે, જેનું ક્યારેય કોઈ નામ ન પાડી શકાયું, જે ક્યારેય મુકામે ન પહોંચ્યો. એ અધૂરો રહી ગયેલો સંબંધ જિંદગીભર હૃદયના કોઈક ખૂણે ધબકતો રહે છે. જે સંબંધ પૂરો થઈ જાય છે, તેની ફાઈલ મગજ બંધ કરી દે છે, પણ જે અધૂરો છે, તે આજીવન લીલોછમ રહે છે.

 

એ રીતે જુઓ તો પૂર્ણતા એ એક ભ્રમણા છે. એ એક બંધ ઓરડો છે, જેમાં પ્રવેશ્યા પછી ક્યાંય જવાનો રસ્તો નથી બચતો. જ્યારે અપૂર્ણતા એ એક ખુલ્લું આકાશ છે, જેમાં અનંત શક્યતાઓ પડેલી છે. જે પૂરેપૂરું સમજાઈ જાય છે, તેનું આકર્ષણ ખતમ થઈ જાય છે. સુંદરતા એમાં નથી કે બધું જ પામી લેવામાં આવે, સુંદરતા એમાં છે કે કંઈક હંમેશાં પામવાનું બાકી રહી જાય. કદાચ ઈશ્વરે પણ આ સૃષ્ટિને જાણીજોઈને અધૂરી જ બનાવી છે, જેથી માણસ સતત કંઈક નવું સર્જતો રહે, સતત ચાલતો રહે  તેથી   આગામી વખતે જ્યારે કોઈ અધૂરી પેઇન્ટિંગ જુઓ, કોઈ અધૂરું ગીત સાંભળો કે જિંદગીમાં કોઈ અધૂરો સંબંધ યાદ આવે, ત્યારે તેનો વસવસો કરવાને બદલે તેના સૌંદર્યને વધાવજો, કારણ કે આ જગતમાં જે પૂરું થઈ ગયું છે, તે ભવિષ્યમાં માત્ર ઇતિહાસ બનીને રહી જશે, પણ જે અધૂરું છે તે જ શાશ્વત રહેશે.