(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત સહિત ડાયમંડ સિટી સુરતમાં પણ બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા મિની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી હતી. ભારે પવન અને વાવાઝોડાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ્સ, મકાનોના પતરા અને વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી. કુદરતી આફતના આ પ્રકોપ વચ્ચે સુરતમાં એક યુવાને જીવ ગુમાવ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા હતા.
મળતી વિગતો અનુસાર, શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં ભારે પવનના કારણે મહાનગરપાલિકાનું લોખંડનું મસમોટું બોર્ડ અચાનક ધરાશાયી થયું હતું, જેની અડફેટે ત્યાંથી પસાર થઈ રહેલો એક યુવક આવી ગયો હતો. બોર્ડ અત્યંત વજનદાર હોવાથી યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાતમાં ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સાંજે 8 વાગ્યા સુધીમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ બગસરામાં 1.61 ઇંચ પડ્યો હતો. તે ઉપરાંત ચોટીલામાં 1.54 ઇંચ, રાજકોટ અને ભેંસાણમાં 1.38 ઇંચ, ધોરાજી, ઉપલેટા, ભાભર અને ઓખામંડળમાં 0.79 ઇંચ, સાવર કુંડલાના 0.75 ઇંચ, ચુડા, લોધિકા, મુંદરા અને લાલપુરમાં 0.63 ઇંચ, વિસાવદર, ધારી અને કુંકાવાવ વડિયામાં 0.59 ઇંચ વરસાદ નોંધાયો હતો.
રાજકોટમાં દરમિયાન અમીન માર્ગ પર તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં વીજ લાઈન પર પડ્યું હતું, જેના કારણે વીજળીનો વાયર તૂટી જતાં નજીકના સબ સ્ટેશનમાં જોરદાર ધડાકો થયો હતો. આ ઉપરાંત, જિલ્લાના જસદણ, ધોરાજી, જેતપુર અને ગોંડલ પંથકમાં પણ ભારે પવનના કારણે અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
આ દરમિયાન જામનગરમાં 66 કેવીનો વીજપોલ ધરાશાયી થયો હતો, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી. કમોસમી વરસાદને કારણે જસદણ-જંગવડ રોડ વચ્ચે આવેલી જેનિંગ ફેક્ટરીમાં કપાસનો જથ્થો તણાયો હતો. અમદાવાદના અનેક વિસ્તારોમાં સાંજના ટાણે વરસાદી ઝાંપટા પડયા હતા. શહેરના સરસપુરમાં રસ્તા પર ચાલી રહેલી એક ગાડી પર અચાનક મોટું વૃક્ષ ધરાશાયી થઈ પડ્યું. જેના કારણે ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હોવાના અહેવાલો મળ્યા હતા. તે ઉપરાંત મહેંસાણા, અરવલ્લી, સુરત જિલ્લામાં પણ વરસાદી ઝાપટાના અહેવાલો પ્રાપ્ત થયા હતા.
જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદ પડયો હતો. ભારે પવન અને સુરક્ષાના કારણોસર ગિરનાર રોપવે સેવા તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવી હતી. આ સિવાય અમરેલીના વડિયા અને બગસરા તેમજ જામનગર જિલ્લાના કાલાવડના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો.
બુધવાર મોડી રાત્રીથી જ ભુજ સહીત કચ્છના અનેક ભાગોમાં ધૂળની ડમરીઓ અને કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે અને ગુરુવારે પણ બપોર બાદ મેઘગર્જના અને પ્રતિ કલાકે ૪૦ કિલિમોટરની ઝડપથી ફૂંકાતા ઠંડા પવનો વચ્ચે વાતાવરણ ચોમાસાં જેવું થઇ ગયું હતું.
કચ્છના નખત્રાણા, સીમાવર્તી લખપત અને અબડાસામાં ભારે ઠંડા પવનો ફૂંકાવાની સાથે કમોસમી વરસાદી ઝાપટાં પડતા અનેક જગ્યાએ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અમદાવાદ, વડોદરામાં પણ ગુરવારે વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. અમદાવાદમાં ધૂળની ડમરીઓ ઊડી હતી અને સાંજે ભારે પવન પણ ફૂંકાયો હતો.
આ કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ખેતરોમાં તૈયાર ઊભેલા ઘઉં, જીરું, ધાણા અને ચણા જેવા રવિ પાકોને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ સાથે બાગાયતી પાકોને પણ નુકસાન થવાની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા આજે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.