ટીના દોશી
અરિહંતના જવાની કાગડોળે રાહ જોઈ રહેલી આભા. આમ તો એને નીકળવાને પાંચ સાત મિનિટની વાર હતી. છતાં આભાને એવું લાગ્યું જાણે ઘડિયાળના કાંટા સ્થિર થઇ ગયા હોય ને સમય થંભી ગયો હોય. એક એક ઘડી એક એક યુગ જેવી વીતી રહેલી. આખરે સાત યુગ જેવી સાત મિનિટ જેમતેમ પસાર થઈ ને અરિહંત ઓફિસે જવા નીકળ્યો. અરિહંતે બારણાની બહાર પગ મૂક્યો ન મૂક્યો, ત્યાં તો આભાએ દરવાજો બંધ કરી દીધો.
લેચવાળો દરવાજો બંધ થઇ જવાથી ચાવી ઘુમાવ્યા વિના કોઈ હવે અંદર આવી શકે એમ નહોતું, છતાં આભાએ ભીતરથી પણ આગળો વાસી દીધો. બંધ બારણાની જોગવાઈ જડબેસલાક થઇ ગઈ, છતાં આભાએ સાવચેતી ખાતર બારણાની ઉપલી સ્ટોપર પણ બંધ કરી. લેચ સાથે જોડાયેલી સાંકળ પણ કડીમાં પરોવી દીધી. પછી બારણું ખેંચીને જોયું. ન ઉઘડ્યું. ક્યાંથી ઉઘડે ! ઉઘડે એમ હતું જ નહીં ને !
આભાનાં ને અરિહંતનાં લગ્નને ત્રણ વર્ષ થયેલાં. પરિવારની સંમતિથી ગોઠવાયેલાં લગ્ન હતાં બન્નેનાં. અરેન્જડ મેરેજ. પ્રેમલગ્ન થયાં હોત તો... આભાની આંખો સામે એક ચહેરો ઊપસી આવ્યો. પણ દીવાલમાંથી ખરતા પોપડાંની જેમ આભાએ વિચારો ખંખેરી નાખ્યા. પેલો ચહેરો પણ અલોપ થઇ ગયો. પોતે અરિહંતને પરણીને એના ઘરમાં ગોઠવાઈ ગયેલી. ઘરમાં સજાવેલા રાચરચીલાની જેમ. ઘરમાં અરિહંત ને આભા જ રહેતાં.
અરિહંતના ઓફિસે ગયા પછી તો આભા એકલી જ હતી ઘરમાં. છતાં આભાએ ઘરમાં ચકળવકળ નજર ચારેકોર ઘુમાવી. કોઈ જોતું તો નથી ને ! પછી મનોમન બોલી, ઘરમાં કોઈ છે જ નહીં, તો ક્યાંથી જુએ. તોય ચકાસણી કરી લેવી સારી. પોતે એકલી હોવાનો હાશકારો અનુભવીને આભા શયનખંડમાં ઘૂસી ગઈ. દ્વાર કસોકસ ભીડી દીધાં. નકશી કરેલાં કમાડ ભીતરથી વાસી દીધા. બારી પર લહેરાતા રેશમી પરદા પાડી દીધા. આમતેમ જોઈ લઈને આભા ચોરપગલે અલમારી પાસે ગઈ. સહેજ પણ અવાજ ન થાય એ રીતે અલમારીનો દરવાજો ખોલ્યો.
અલમારીમાં સાવ નીચેના ખાનામાં મુલાયમ રંગબેરંગી બાંધણીની પોટલી ગોઠવાયેલી. એમાં બનારસી, કાંજીવરમ,પટોળા ને બીજી ભારે સાડીઓની થપ્પી ગોઠવેલી. આભાએ હળવેકથી પોટલી ખોલી. પોટલીમાં છેક નીચે મૂકેલી લાલ રંગની રેશમી સાડીની સળમાં હાથ નાખ્યો. સળ ફંફોસીને ભીતરથી એક આછા પીળા રંગનો કાગળ કાઢ્યો. ના, કાગળ નહીં, આમ તો એ એક પત્ર હતો. જોકે પત્ર પણ ન કહી શકાય, એ એક ચિઠ્ઠી હતી.
ચિઠ્ઠી હાથમાં લેતાંની સાથે આભાએ કંપારી અનુભવી. એની ધડકન તેજ થઇ ગઈ. નસનસમાં પરિભ્રમણ કરતું રક્ત લાવા બનીને વહેવા લાગ્યું. ખયાલોમાં ખોવાઈ ગઈ આભા. ગઈ કાલે સાંજે આભા બજારમાં ખરીદી કરીને કેબમાં પાછી ફરેલી. કેબ ડ્રાઈવરને નાણાં ચૂકવવા આભાએ પર્સ ખોલ્યું, ત્યારે રૂપિયાની કડકડતી નોટ સાથે પેલી પીળા રંગનો ઘડી કરેલો કાગળ સરકી પડેલો. પોતે કરેલી ખરીદીનું કોઈ બિલ હશે એમ માનીને આભાએ એ કાગળ ઉઠાવી લીધો. પૈસા ચૂકવીને એ કેબમાંથી બહાર નીકળી. માત્ર કુતૂહલવશ શેનું બિલ છે એ જોવા પીળા કાગળની ઘડી ખોલી. તો ખબર પડી કે એ બિલ નહીં, ચિઠ્ઠી હતી. એમાં પહેલું વાક્ય એવું લખેલું કે, મારી રાજરાણી આભારાણી...
આભાના શરીરમાંથી લખલખું પસાર થઇ ગયું. કમકમાં આવી ગયાં એને. કપાળે પરસેવો વળી ગયો. રાજરાણી ને આભારાણીનું સંબોધન તો એ એક જ કરતો'તો. ને હવે તો એ પણ જૂની વાત થઇ ગયેલી. ત્રણ વર્ષ જૂની. આભાએ મુઠ્ઠીમાં ચિઠ્ઠી જકડી લીધી. કપાળ પરથી પસીનો લૂછ્યો. ચારેબાજુ નજર કરીને સીધી જ લિફટમાં પેસી ગઈ. પાંચમે માળે આવેલા પોતાના બે બેડરૂમના છતાં આલીશાન ફ્લેટમાં પગ મૂક્યો ત્યારે જ એને રાહત થઇ. ઘરમાં આવીને ધ્રૂજતા હાથે એણે ચિઠ્ઠી ખોલી, પણ એટલામાં અરિહંત આવી ગયો. આભા માથાના દુખાવાનું બહાનું કાઢીને બેડરૂમમાં ઘૂસી ગઈ. પેલી પોટલીમાં સાડીની થપ્પીમાં ચિઠ્ઠી મૂકી દીધી.
આ ક્રિયા કરતી વખતે આભાની વિચારપ્રક્રિયા સતત ચાલતી રહી. પેલાએ પોતાના પર્સમાં ચિઠ્ઠી ક્યારે મૂકી હશે..એ યાદ કરવા લાગી. એક પ્રસંગ માટે સાડી ખરીદવા નવા ખૂલેલા મોલમાં ગયેલી. મલમલ જેવા સુંવાળા શ્વેત પોત પર લાલ તારથી જરીકામ કરેલી છાંટણાંવાળી સુંદર સાડી ખરીદી. વાહ.. મોજે દરિયા. પ્રસંગમાં આવી સાડી બીજા કોઈ પાસે નહીં હોય.
પછી મેચિંગ એસેસરીઝ, મેચિંગ હેન્ડબેગ, સાડી સાથે શોભે એવી રંગીન ફૂમતાંવાળી મોજડી..આ સમયગાળામાં પર્સ એની જોડે ને જોડે જ હતું. ક્યાંય આડુંઅવળું નહોતું મૂક્યું. અરે હા...આભાને સ્મરણ થયું. સાડી સાથેની મેચિંગ હેન્ડબેગ ખરીદતી વખતે માત્ર ગણતરીની ક્ષણો માટે પર્સ સાઈડમાં મૂકેલું. હા, એ સમયે પોતે હેન્ડબેગ જોવામાં એટલી તલ્લીન થઇ ગયેલી કે પર્સ પ્રત્યે ગાફેલ બની ગયેલી. બસ એ જ વખતે પેલાને ચિઠ્ઠી પર્સમાં મૂકવાની તક મળી ગઈ હશે. પણ આટલા વખતે એ અહીં ક્યાંથી આવી ચડ્યો હશે ? ખેર, કાલે અરિહંત ઓફિસે જાય પછી જે હોય તે જોયું જશે.
આભા સ્વસ્થતાનું મહોરું ઓઢીને કક્ષમાંથી બહાર આવી. રસોઈકામમાં વ્યસ્ત થઇ ગઈ. એના હાથ યંત્રવત ક્રિયાઓ કરતા રહ્યા. રોટલી વણાતી ગઈ ને દાળશાકમાં વઘાર થતો ગયો... પણ મનમાં તો થયા કરતું'તું કે શું લખ્યું હશે ચિઠ્ઠીમાં...આમ તો હવે એની સાથે કોઈ પ્રકારનો સંબંધ નહોતો. સંબંધના અંગારા પર તો ક્યારનીયે રાખ ફરી વળેલી. તોય રહીરહીને થતું'તું કે ક્યારે અરિહંત ઓફિસે જાય ને ક્યારે પોતે ચિઠ્ઠી વાંચે!
આખરે એ પળ બીજી સવારે આવી. અરિહંત ઓફિસે જવા નીકળ્યો ને શયનખંડમાં પેઠેલી આભાએ કાંપતા હાથે ચિઠ્ઠી ખોલી. પહેલી પંક્તિ ફરી વાંચી. મારી રાજરાણી આભારાણી... અક્ષરો જાણીતા હતા. હોય જ ને !
દેવ! બૂમરેંગ ચલાવવામાં માહિર દેવ. દેવને... દેવના અક્ષરોને કેવી રીતે ભૂલી શકાય? આ જ અક્ષરોથી ઘૂંટાયેલા દેવના કેટલાયે પ્રેમપત્રો વાંચેલા એણે. દરેક પત્રને આરંભે એ જ પંક્તિ. મારી રાજરાણી આભારાણી.. દેવના પ્રેમપત્રો વાંચતાં હૃદયના ધબકારા વધી જતા.પોતે પણ પ્રેમપત્રો લખેલા. કોલેજમાં ભણતાં ભણતાં બન્નેએ એકમેકની આંખો પણ વાંચી લીધેલી. ને હૈયાંએ પ્રેમનો એકરાર કરી લીધેલો. પોતાના મનમંદિરમાં દેવને દેવસ્થાને સ્થાપેલો એણે. દેવની આભા ને આભાનો દેવ. મુગ્ધતા ને અલ્લડતાના દિવસો હતા. સ્નેહની સરવાણી બેય કાંઠે વહેતી રહેલી. પ્રેમપત્રો લખાતા રહ્યા ને પ્રેમપત્રો વંચાતા રહ્યા. ક્યારેક કોઈ પિકનિકમાં ફોટા પણ પડાવેલા. આમેય કોલેજ પૂરી થયા પછી લગ્ન થવાનાં જ હતાં ને !
લગ્ન થવાનાં જ હતાં. પણ કોની સાથે... કોલેજ પૂરી થયે ઘરમાં આભાના વિવાહની વાતો શરૂ થઇ ગઈ. એથી આભાએ લજામણીના છોડની જેમ શરમાઈને, પાંપણો ઝુકાવીને દેવ સમક્ષ લગ્નની વાત છેડેલી. જવાબમાં દેવનું અટ્ટહાસ્ય સંભળાયેલું. એવું હાસ્ય દેવનું ન હોય, દાનવનું જ હોય. આભા ચોંકી ગયેલી. દેવ સામે ટગર ટગર જોઈ રહેલી. પોતે જેને દેવ માનીને પૂજતી રહેલી એ આ દેવ નહોતો. પોતે જેને હૈયામાં સ્થાપેલો, બંધ આંખો સમક્ષ જેનો ચહેરો દેખાયા કરતો, એ ચહેરો હતો તો દેવનો જ છતાંય દેવનો નહોતો.
મનમાં મૂરત તો એ જ હતી, પણ મૂરતની સૂરત બદલાઈ ગયેલી. હતો તો દેવ જ, છતાં દેવ નહોતો. દેવના અટ્ટહાસ્યનો અર્થ સમજી શકી નહોતી આભા. આખરે દેવ ખંધાઈથી બોલેલો: `મારી રાજરાણી આભારાણી...હા, હા, હા.. અરે, ક્યાંનું રાજ ને ક્યાંની રાણી..તું તો મારો કોલેજનો ટાઈમપાસ હતી. તારી સાથે પ્રેમ.. ના, ના.. પ્રેમનો દેખાવ થાય. લગ્ન તો હું કરોડપતિ આરસી સાથે કરીશ. માબાપની એકની એક દીકરી છે. એટલે લગ્ન પછી એનો દલ્લો મારો થઇ જશે. સમજી, હવે અહીંથી ચાલવા માંડ. ને હા, તને કંકુ છાંટીને લગ્નની કંકોતરી મોકલીશ. જરૂર આવજે હં.. હવે તો હું રાજા ને કામિની મારી રાજરાણી.'
આભા ફાટી આંખે જોઈ રહેલી. દેવ તો ચાલ્યો ગયો, પણ આભા ક્યાંય સુધી પૂતળાની માફક ત્યાં જ ખોડાઈ રહેલી. આંખોમાંથી અશ્રુધારા વહી રહેલી. સાથે દેવની યાદો પણ...એ પ્રેમ, એ પ્રેમપત્ર..બધું જ મિથ્યા હતું.. છળ ને કપટ હતું. આભાની ભ્રમણા ભાંગી ગયેલી. એણે આંસુ લૂછી નાખ્યાં. સાથે જ દેવને પણ લૂછી નાખ્યો. ઘેર આવીને આભાએ દેવના પ્રેમપત્રો ને તસવીરો ફાડીને સળગાવી નાખ્યાં. દેવ સાથેનાં સંબંધના અંતિમસંસ્કાર કરી નાખ્યા. માતાપિતાએ પસંદ કરેલા અરિહંત સાથે પરણીને સાસરે ગોઠવાઈ ગઈ.
લગ્નને પણ ત્રણેક વર્ષ થઇ ગયેલાં. આભાએ અરિહંતમાં મન પરોવી દીધેલું. અરિહંત જ એનો સંસાર હતો. અરિહંત આભાનો ઊજળો વર્તમાન હતો ને દેવ વરવો ભૂતકાળ. આભાએ દેવને એવો વિસારે પાડેલો જાણે એ પોતાના જીવનમાં ક્યારેય આવ્યો જ નહોતો. સુખી સંસાર હતો આભાનો.
પણ ત્રણ વર્ષ પછી અતીત સામે આવીને ઊભેલો. ચિઠ્ઠી રૂપે. જે સંબંધને જમીનમાં ઊંડે ઊંડે દાટી દીધેલો એ તો ભીંત ફાડીને ઊગેલા પીપળાની જેમ ઊગી નીકળેલો. અંગારા પરથી રાખ ઊડી ગયેલી. આભાએ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કર્યું. ચિઠ્ઠીમાંથી પણ અટ્ટહાસ્ય કરી રહેલો દેવ કહી રહેલો : `મેં તને ક્યાંથી શોધી કાઢી એવું પૂછીશ નહીં. તરસ્યો કૂવાને શોધી જ કાઢે છે. એમ મેં પણ તને શોધી જ લીધી. મારી પાસે તારા લખેલા પ્રેમપત્રો ને આપણી તસવીરો છે. એ જો હું તારા અરિહંતને આપીશ તો તારી શું વલે થશે એ તો તું જાણે જ છે.
હવે તું પૂછીશ કે તારી એ કીમતી જણસના બદલામાં મારે શું જોઈએ છે. તો સાંભળી લે. મને માત્ર પચાસ લાખ રૂપિયા જોઈએ છે. જોકે એની ઝાઝી ઉતાવળ નથી. હું તને ત્રણ દિવસ... પૂરા બોતેર કલાકની મહેતલ આપું છું. ચોથા દિવસે પ્રેમપત્રો ને તસવીરો તને નહીં, અરિહંતને સોંપી દઈશ. જેની થાપણ હોય તેને સોંપવી જ પડે ને..લિખિતંગ દેવ. કન્ડિશન અપ્લાઈડ. માગણી સ્વીકારી લઈશ તો દેવ ને નહીંતર દાનવ. હા, હા, હા...'
ચિઠ્ઠી નહીં, ધમકી જ હતી આ તો. આભા ગભરાઈ ગઈ. પોતાના સુખી સંસારમાં પલીતો ચાંપવા આવેલો દેવ. પણ પોતે પોતાના સંસારને બચાવવો જ રહ્યો. ઘંટીમાં ઓરાતા દાણાની પેઠે પોતે પીસાવાની નથી. સંકટમાંથી છુટકારો મેળવવો જ રહ્યો. રડારોળ કરવાનો કાંઈ અર્થ નહોતો. ખબર નહીં, ક્યાંથી હિંમત આવીને પડખે ઊભી રહી ગઈ. પોતે કાંઈ ખોટું કર્યું નથી એ વાતે એનામાં સાહસનો સંચાર થયો. એણે કાંઈક વિચારી લીધું.
અરિહંત આવતી કાલે બે દિવસ માટે ઓફિસને કામે બહારગામ જવાનો હોવાનું યાદ આવ્યું. આભાએ ચિઠ્ઠીમાં લખેલા નંબર પર ફોન કર્યો. દેવે ફોન ઉઠાવ્યો એટલે કહી દીધું : `આવતી કાલે સાંજે પાંચ વાગ્યે મારે ઘેર આવી જજે. સરનામું તારી પાસે હશે જ. અને હા, પ્રેમપત્રો ને તસવીરો સાથે નેગેટિવ પણ લઈને આવજે.' દેવ કાંઈ કહે એ પહેલાં આભાએ ફોન મૂકી દીધો. હવે તો આ પાર કે પેલે પાર !
બીજે દિવસે સાંજે... ઘડિયાળમાં પાંચ ટકોરા પડવાનું શરૂ થયું. પાંચમો ટકોરો પડતાંની સાથે બારસાખે જડેલી કોયલ પણ ટહુકી ઊઠી. રાણી કલરની સાડીમાં શોભતી આભાએ નિરાંતે ઊઠીને દરવાજો ખોલ્યો. સામે દેવ ઊભેલો. બ્લેક પેન્ટ પર બ્લેક ચેક્સના શર્ટમાં સોહામણો દેખાતો'તો દેવ. એક પળ આભા એને નીરખી રહી. આ એ જ દેવ હતો, જેને પોતે મન ભરીને ચાહેલો. દેવ તો એ જ હતો, પણ અત્યારે દાનવનું રૂપ લઈને પોતાની સામે આવેલો. દેવ પણ એ જ, દાનવ પણ એ જ !
વિચારોમાં ખોવાયેલી આભાને જોઇને દેવ બોલ્યો : `અરે, આમ શું જોઈ રહી છે ? મને અંદર આવવાનું નહીં કહે?' આભા ઉંબરેથી ખસી ગઈ. દેવ અંદર આવ્યો. સોફા પર ગોઠવાઈને બોલ્યો : `તેં તો ફટાફટ નાણાંની જોગવાઈ કરી લીધી ને. હવે ઝડપથી આપી દે એ રકમ મને.'
`હા, હા.. એટલી શું ઉતાવળ છે?' આભા મીઠું મલકી. મેજ પર રૂપિયા ભરેલી બેગ મૂકીને બોલી : `પહેલાં મારા પ્રેમપત્રો ને નેગેટિવ સાથેની તસવીરો મારા હાથમાં મૂકી દે. પછી પચાસ લાખ તારા.'
દેવે શર્ટના પોલાણમાંથી એક પેકેટ કાઢ્યું. પ્રેમપત્રો ને તસવીરો કાઢીને મેજ પર મૂકી. પછી કહ્યું : `જોઈ લે આભા. તેં લખેલાં બધા જ પ્રેમપત્રો છે ને બધી જ તસવીરો એની નેગેટિવ સાથે છે.'
આભાએ સઘળી સામગ્રી ઉઠાવી લીધી. જોઇને હાશકારો થયો. દેવ પણ વિચારી રહ્યો. પોતાના બૂમરેંગે ધાર્યું નિશાન વીંધેલું. ભલું થાજો પ્રેમપત્રોનું ને ફોટાઓનું. દરમિયાન કંઈક વિચાર આવતાં આભાએ પૂછ્યું : `દેવ, તારા મોબાઈલમાં તેં ફોટા ને પ્રેમપત્રો સાચવી નહીં રાખ્યા હોય એની શું ખાતરી.. વળી પાછો મને બ્લેકમેઈલ કરવા આવી પહોંચે તો ?' `આભા, મેં મોબાઈલમાં કે બીજે ક્યાંય કાંઈ સાચવ્યું નથી. મારે મરવું છે કે...' દેવે જીભ કચરી.
`એમ કેમ બોલ્યો ?'આભાએ પોલું ભાળીને દુ:ખતી રગ પર હાથ મૂક્યો : `દેવ, એક સવાલનો જવાબ આપ. તારી કામિની તો કરોડપતિ છે ને... તો પછી તારે બ્લેકમેઈલ કરવા જેવું હીણું કામ કેમ કરવું પડ્યું ?'
`કામિની કરોડપતિ તો છે, પણ ફૂટી કોડી નથી આપતી મને...ચમડી તૂટે પણ એનાથી દમડી છૂટતી નથી...' દેવે નિ:શ્વાસ નાખ્યો: `કામિનીએ તો મને પાઈપાઈનો મોહતાજ કરી નાખ્યો છે. એટલું જ નહીં, એનો સ્વભાવ પણ અતિ શંકાશીલ છે. મને કોઈ છોકરી સાથે વાત કરતો જુએ તો પણ મારો ઊધડો લઇ નાખે છે. મારો ફોન સતત ચેક કર્યા કરે છે. એટલે આ પ્રેમપત્રો ને ફોટા મારા ફોનમાં સંઘરવાની ભૂલ તો હું ન જ કરી શકું. તારી સાથેની તસવીરો જોઇને તો એ વાઘણ મને કાચો ને કાચો ફાડી જ નાખે. ને પ્રેમપત્રો વાંચીને તો કદાચ મને ઘરની બહાર કાઢી મૂકે તોય નવાઈ નહીં.'
`હં...' દેવના બૂમરેંગને પાછા વાળવાનો કીમિયો આભાને જડી ગયેલો. એનો ચહેરો ખીલવા લાગ્યો. પણ એ તરફ જોયા વિના દેવ પોતાની ધૂનમાં બોલ્યે ગયો : `હવે હું આ જિંદગીથી કંટાળ્યો છું. એટલે જ તો મેં કામિનીથી સાચવીને રાખેલી સોનામહોરો જેવી આ સામગ્રીના બદલામાં રૂપિયા લઈને લીલાલહેર કરવાનું નક્કી કર્યું. મિત્રને ઘેર પ્રસંગ હોવાનું ગપ્પું મારીને અહીં આવી ગયો ને આ તારી સામે બેઠો છું. તારા પચાસ લાખથી હું લખપતિ બની જઈશ. ને મોજ કરીશ.'
`દેવ, હવે તારું ખ્વાબ ખ્વાબ બનીને જ રહી જશે..' આભા ગજબની ઠંડકથી બોલી : `આ બેગ ખોલીને જોઈ લે. એમાં માત્ર છાપાં ભર્યાં છે. તું એ લઈને જઈ શકે છે. તેં મારા જેવી કંચન ત્યજીને કામિનીરૂપી કથીરને અપનાવ્યું એની આ સજા છે.'
`એટલે..?' દેવ કાંઈ સમજ્યો નહીં. આભાએ ચેકમેટ કરતાં કહ્યું : `તેં કહ્યું ને...કામિની વહેમીલી છે. હવે હું તારી કામિનીને આ પ્રેમપત્રો ને તસવીરો આપી દઉં તો તારી શી વલે થશે એ તું વિચારી જોજે. રસ્તે રઝળતો થઇ જઈશ. હવે ચાલતો થા ને ફરી ક્યારેય દેખાતો નહીં અને હા, અરિહંતને મેં બધું જ જણાવી દીધું છે. એની ચિંતા ન કરતો. માત્ર એક પ્રેમપત્ર ને એક તસવીર સિવાયની બધી સામગ્રી હું બાળી મૂકીશ. તને દરદરની ઠોકરો ખવડાવવા એટલું પૂરતું થઈ રહેશે. નાઉ ગેટ આઉટ.'
દેવ ઊભો થઈ ગયો. એનો દાવ એના પર જ ઊંધો વળી ગયેલો. જે બૂમરેંગથી શિકાર કરતો એ બૂમરેંગનો એ પોતે જ શિકાર થઇ ગયેલો!
આવતા અઠવાડિયે નવી કથા