Tue Apr 28 2026

Logo

ગુજરાતમાં અકસ્માતના ત્રણ બનાવમાં એક જ પરિવારના 4 સહિત કુલ 7 લોકોના મોત

2026-04-27 11:14:00
Author: Mayurkumar Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં સોમવારના દિવસની ગોઝારી શરૂઆત થઈ હતી. અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવમાં એક જ પરિવારના 4 સહિત  કુલ 7 લોકોનાં મોત થયા હતા. 

એક જ પરિવારના 4 લોકોનાં મોત

પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર આજે વહેલી સવારે  પૂરપાટ ઝડપે જઈ રહેલી કારના ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા કાર ડિવાઈડર કૂદીને હાઈવેની બીજી તરફ ફંગોળાઈ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારમાં સવાર પાંચ લોકોમાંથી ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો વડોદરાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ખીનજી પરિવારના સભ્યો રાજસ્થાનથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કાલોલ પાસે તેમને રસ્તામાં જ કાળ ભરખી ગયો હતો.

અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરાયો હતો. તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું. પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢીને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે કાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પણ મૃતકોના સ્વજનોના હૈયાફાટ રુદનથી ગમગીની છવાઈ ગઈ હતી.

પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં 2 મિત્રોના મોત

છોટા ઉદેપુરમાં  પાવી જેતપુરમાં ટ્રકની અડફેટે બાઇક પર જતાં 2 મિત્રોના મોત થયા હતા. બંને મિત્રો પાવાગઢથી પરત ફરતા હતા ત્યારે ઘટના બની હતી.મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંડાર ગામના બે મિત્રો શૈતાન મેહડા અને રાયમલ મેહડા બાઈક લઈને પાવાગઢ દર્શન કરવા આવ્યા હતા. માતાજીના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પાવી જેતપુરના વંકુટિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બંને યુવકો રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો.

સાણંદ-નળસરોવર રોડ પર યુવકનું મોત

સાણંદ - નળસરોવર રોડ પર વિંછીયા અને શ્રીનગર ચોકડી પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં માણકોલ ગામના સરપંચના પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. બંને યુવકો સબંધી હતા અને બાઇક લઈને લગ્નમાં જવા નીકળ્યા ત્યારે બેફામ જતાં કાર ચાલકે અકસ્માત કર્યો હતો.