Mon Sep 07 2026

Logo

અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે કર્યો રેપ, પછી ભાગ્યો પણ પોલીસે કલાકોમાં કઈ રીતે ઝડપ્યો ?

2026-08-10 10:32:00
Author: Mayur Patel
અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે કર્યો રેપ, પછી ભાગ્યો પણ પોલીસે કલાકોમાં કઈ રીતે ઝડપ્યો ?

અમદાવાદઃ શહેરમાં ભાડે રહેતી યુવતી પર સોસાયટીના સિક્યુરિટી ગાર્ડે રેપ કર્યો હતો. જે બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો પણ પોલીસે મધરાતે 10 ટીમ અને હાથથી મેપ બનાવીને તથા 10 કિમીનો વિસ્તાર ફંફોળીને ગણતરીના જ કલાકોમાં ઝડપી લીધો હતો.

કેવી રીતે ઝડપાયો રેપિસ્ટ સિક્યુરિટી ગાર્ડ

અમદાવાદના આનંદનગરમાં એક સોસાયટીના ફ્લેટમાં રહેતી યુવતી 8 ઓગસ્ટના રોજ રાત્રે 9 વાગ્યે ધાબા પર મોમોસ ખાવા ગઈ હતી. સામાન્ય રીતે ત્યાં લોકો હોય છે, પણ તે દિવસે માત્ર સોસાયટીનો સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ હાજર હતો. સવા નવ વાગ્યે યુવતીના ફોનની બેટરી પૂરી થઈ જતાં તે નીચે જવા લાગી, ત્યારે સિક્યુરિટી ગાર્ડે તેની નજીક આવીને બિભત્સ માગણી કરી હતી. યુવતી ડરીને ભાગવા ગઈ તો સિક્યુરિટી ગાર્ડે તેના ગળામાં વાયર નાખી, ગળું દબાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. લગભગ એક કલાક સુધી તેણે દુષ્કર્મ આચર્યું હતું.

રાત્રે 10:20 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ યુવતીનો ફોન લઈને ધાબાનો દરવાજો બહારથી બંધ કરી ભાગી ગયો હતો. આઘાતમાં હોવા છતાં યુવતીએ બૂમો પાડતા 5મા માળના લોકો મદદે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ રાત્રે 11:15 વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવતીની સ્થિતિ જોતાં તેને સારવાર માટે હૉસ્પિટલ મોકલવામાં આવી હતી.

બનાવની ગંભીરતા જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. રાત્રે 2 વાગ્યે પોલીસની 10 અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.  રાત્રે 10:27 વાગ્યે આરોપી સોસાયટી બહાર નીકળી ઇસ્કોન તરફ જતો દેખાયો હતો. તેનો ફોન આંબલી રોડ પાસે સ્વિચ ઓફ થઈ ગયો હતો. આરોપી મૂળ યુપીનો હોવાથી તે ભાગી ન જાય માટે કાલુપુર, સાબરમતી અને ચાંદલોડિયા રેલવે સ્ટેશને ટીમો તૈનાત કરાઈ, પણ તે ત્યાં આવ્યો નહીં.

આરોપી સિક્યુરિટી ગાર્ડના સફારી ડ્રેસમાં જ ભાગ્યો હતો. તેથી પોલીસે બાતમીદારોને સક્રિય કરી સફારી ડ્રેસવાળા વ્યક્તિની શોધખોળ તેજ કરી હતી. આખી રાતની દોડધામ બાદ, સવારે સાડા સાત વાગ્યે હેબતપુર પાસે પોલીસને સફારી પહેરીને જતો એક વ્યક્તિ જોવા મળ્યો હતો. જેને અટકાવીને તપાસ કરતા તે સિક્યુરિટી ગાર્ડ જ નીકળ્યો હતો. પોલીસે સાવચેતીપૂર્વક તેની ધરપકડ કરી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં તેણે પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. આમ બનાવના ગણતરીના કલાકોમાં જ રેપિસ્ટ સિક્યુરિટી ગાર્ડને પોલીસે દબોચી લીધો હતો.