Mon Sep 07 2026

Logo

ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી બેગમાં વિદેશી દારૂ છુપાવીને લાવતો મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો

2026-07-06 11:25:00
Author: Mumbai Samachar Team
ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી બેગમાં વિદેશી દારૂ છુપાવીને લાવતો મહારાષ્ટ્રનો શખ્સ ઝડપાયો

ભુજઃ ગાંધીધામના રેલવે મથકે આવેલી કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાંથી ઉતરીને શંકાસ્પદ રીતે ભાગવા જતાં એક શખ્સને રેલવે પોલીસે દબોચી લીધો હતો. તલાશી દરમિયાન તેની બેગમાંથી રૂા. ૨૨,૨૯૭ની કિંમતની વિદેશી દારૂની ૨૪ બોટલો મળી આવતાં પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી ગુનો દાખલ કર્યો હતો.

મળતી વિગત મુજબ, સવારે ગાંધીધામ રેલવે પોલીસની ટીમ પ્લેટફોર્મ પર પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન કચ્છ એક્સપ્રેસ ટ્રેન આવીને ઊભી રહેતાં જ જનરલ કોચમાંથી એક શખ્સ મોટી બેગ સાથે ઉતાવળે ઉતરીને ભચાઉ તરફ જવા રવાના થયો હતો. ઉતાવળમાં તે લપસી પડતાં પોલીસને તેના પર વહેમ ગયો હતો. પોલીસે તેને અટકાવી તેની બેગની તપાસ કરતાં તેમાંથી ૭૫૦ મિલીની વિદેશી શરાબની ૨૪ બોટલો મળી આવી હતી.

રેલવે પોલીસે દારૂના જથ્થા સાથે મહારાષ્ટ્રના પ્રેમકુમાર પ્રકાશ પંડિત નામના શખ્સની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો તે કચ્છમાં કોને સપ્લાય કરવા આવ્યો હતો તે જાણી શકાયું નથી. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(ઉત્સવ વૈદ્ય)