Tue Oct 06 2026

Logo

ગુજરાતમાં ૭,૮૮૯ સહકારી મંડળીઓ પડી ભાંગી: ઈટાલીયાના સવાલના જવાબમાં વિધાનસભામાં સરકારે કરી કબૂલાત

2026-09-11 13:50:00
Author: Mayur Patel
ગુજરાતમાં ૭,૮૮૯ સહકારી મંડળીઓ પડી ભાંગી: ઈટાલીયાના સવાલના જવાબમાં વિધાનસભામાં સરકારે કરી કબૂલાત

ગાંધીનગર: સહકારી પ્રવૃત્તિમાં દેશભરમાં અગ્રેસર ગણાતા ગુજરાતમાં સહકારી માળખાને લઈને મહત્વપૂર્ણ વિગતો વિધાનસભા ગૃહમાં સામે આવી છે. રાજ્યમાં નોંધાયેલી કુલ ૯૧,૫૭૮ સહકારી મંડળીઓ પૈકી ૭,૮૮૯ મંડળીઓ નિષ્ક્રિય થઈ ચૂકી છે અથવા તો બંધ પડી ગઈ છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલઈટાલીયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત ઉત્તરમાં સહકાર મંત્રી દ્વારા રાજ્યમાં કાર્યરત અને બિનકાર્યરત મંડળીઓ અંગે સત્તાવાર આંકડાકીય અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

હોદ્દેદારોનો નિરસ અભિગમ અને કાયદાકીય ફડચો મુખ્ય કારણો

સરકાર દ્વારા વિધાનસભામાં રજૂ કરાયેલા ઉત્તર મુજબ, મંડળીઓ કાર્યરત ન રહેવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર હોવાનું સરકારે જણાવ્યું હતું. પ્રથમ સહકારી મંડળીઓના ચૂંટાયેલા હોદ્દેદારો કે સભાસદો દ્વારા મંડળી ચલાવવામાં રસ ન દાખવવો. બીજું- ઘણી મંડળીઓ પોતાના પેટા કાયદા (બાય-લોઝ) મુજબ નક્કી કરેલા ઉદ્દેશો અનુસાર કામગીરી કરતી બંધ થઈ ગઈ હોવાથી, ગુજરાત સહકારી મંડળી અધિનિયમ-૧૯૬૧ ની કલમ-૧૦૭ હેઠળ તેમના વિરુદ્ધ ફડચા  અંગેના સત્તાવાર હુકમો કરાયા હતા.

કુલ ૯૧,૫૭૮ નોંધાયેલી મંડળીઓ સામે ૮૩,૬૮૯ જ સક્રિય

સરકાર દ્વારા રજૂ કરાયેલા આંકડા મુજબ, રાજ્યમાં તા. ૩૧/૦૩/૨૦૨૬ ના અંતિત નોંધાયેલી અને કાર્યરત મંડળીઓની વિગત પર નજર કરવામાં આવે તોકુલ નોંધાયેલી સહકારી મંડળીઓ  ૯૧,૫૭૮ છે, જે પૈકી હાલ કાર્યરત મંડળીઓની સંખ્યા ૮૩,૬૮૯ છે. જ્યારે બંધ/બિનકાર્યરત મંડળીઓની સંખ્યા ૭,૮૮૯ છે.

અમદાવાદ જિલ્લામાં સહકારી મંડળીઓની સંખ્યા રાજ્યમાં સૌથી વધુ ૧૮,૫૦૦થી વધુ છે.  ડાંગ, બોટાદ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જેવા નાના જિલ્લાઓમાં મંડળીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી નોંધાઈ છે. રાજ્યમાં હજારો મંડળીઓ કાગળ પર રહી જતાં કે ફડચામાં જતાં સહકારી ક્ષેત્રના યોગ્ય સંચાલન અને દેખરેખ સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે.