Fri May 29 2026

Logo

આપણી રોજની આ 7 આદતો જ અંદરથી આપણને ખોખલા કરી રહી છે, આજે જ બદલી નાખો નહીંતર...

2026-05-29 14:01:00
Author: Darshana Visaria
Article Image

અવારનવાર આપણી જિંદગી કોઈ મોટા નિર્ણયોથી નહીં, પરંતુ આપણી રોજબરોજની નાની-નાની આદતોને કારણે પ્રભાવિત થાય છે. આપણી સૌથી મોટી સમસ્યા એ છે કે આમાંની ઘણી આદતોને આપણે અને આપણી આસપાસના લોકો માત્ર સામાન્ય જ નહીં, પરંતુ ખૂબ સારી ગણે છે, તેમ જ તેનો ગર્વ પણ કરે છે. જોકે, હકીકત એ છે કે ધીમે-ધીમે આ જ આદતો આપણને માનસિક અને ભાવનાત્મક થાક તરફ ધકેલી દે છે. આજે આપણે આ સ્ટોરીમાં આવી જ કેટલીક આદતો વિશે વાત કરીશું... 

ઓછી ઊંઘ અને સતત કામ 
આજના સમયમાં ઘણા લોકો ઓછી ઊંઘ લેવાને અને ચોવીસ કલાક કામ કરવાને મહેનતની નિશાની માને છે. "હું માત્ર ત્રણ જ કલાક સૂતો છું", આવી વાતો લોકો ગર્વથી કહે છે. પરંતુ વાસ્તવમાં આ શરીર દ્વારા અપાતી ચેતવણી છે. સતત થાકને નજરઅંદાજ કરવાથી વ્યક્તિ જિંદગી જીવવાને બદલે માત્ર દિવસો કાપવા લાગે છે.

કામ શરૂ કરવા માટે 'મૂડ' કે પ્રેરણાની રાહ જોવી
મોટાભાગના લોકો કોઈ કામની શરૂઆત ત્યારે જ કરે છે જ્યારે તેમનો મૂડ હોય અથવા તેમને અંદરથી પ્રેરણા મળે. પરંતુ હકીકત અને કડવું સત્ય તો એ છે કે પ્રેરણા કામ શરૂ કર્યા પછી પેદા થાય છે. જેઓ યોગ્ય સમય કે યોગ્ય મૂડની રાહ જોતા બેસી રહે છે, તેઓ અવારનવાર પોતાના લક્ષ્યથી પાછળ રહી જાય છે.

દરેક વાતમાં 'હા' કહેવાની આદત 
બીજા લોકો નારાજ ન થઈ જાય તેવા ડરથી દરેક વાતમાં 'હા' ભણી દેવી એ આપણી સૌથી ભૂલ છે. આનાથી તમારી જવાબદારીઓ અને બોજ સતત વધતા જાય છે અને વ્યક્તિ માનસિક રીતે થાકી જાય છે. પોતાનો સમય અને ઊર્જા બચાવવા માટે જરૂર પડે ત્યારે નમ્રતાથી 'ના' કહેતા શીખવું ખૂબ જ જરૂરી છે.

સોશિયલ મીડિયા પર અન્યો સાથે સરખામણી
સોશિયલ મીડિયાના કારણે બીજા સાથે સરખામણી કરવાની બીમારી વધી ગઈ છે. લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર અન્યોની જિંદગીના માત્ર શ્રેષ્ઠ અને ખુશીના પળો જ જુએ છે અને તેની સરખામણી પોતાની વાસ્તવિક જિંદગી સાથે કરવા લાગે છે. આ આદત આત્મવિશ્વાસને નબળો પાડે છે અને વગર કારણે તણાવ વધારે છે.

એક અસફળતાને જ પોતાની ઓળખ બનાવી લેવી
ઘણીવાર લોકો કોઈ એક કામમાં મળેલી અસફળતાને જ પોતાની ઓળખ માની લે છે. કોઈ કામમાં નિષ્ફળ જવું અને પોતાને જ 'નિષ્ફળ માણસ' માની લેવો, આ બંને અલગ વાતો છે. ભૂલોને શીખવાની તક માનવાને બદલે ખુદ પર સવાલો ઉઠાવવા આગળ વધવાનો રસ્તો મુશ્કેલ બનાવી દે છે.

પરફેક્શનની ઘેલછા 
આપણામાંથી અનેક લોકોને દરેક વસ્તુ એકદમ પરફેક્ટ હોવી જોઈએ એવો આગ્રહ લોકોને આગળ વધતા રોકે છે. યોગ્ય સમય, યોગ્ય પ્લાનિંગ અને દરેક બાબતને શ્રેષ્ઠ બનાવવાની કોશિશમાં ઘણા લોકો કામની શરૂઆત જ કરી શકતા નથી. અસલી વિકાસ ભૂલોમાંથી શીખવામાં અને સતત આગળ વધતા રહેવામાં જ છુપાયેલો છે.

સ્ક્રોલિંગ અને મુશ્કેલ વાતોથી ભાગવું
કલાકો સુધી સતત સોશિયલ મીડિયા સ્ક્રોલ કર્યા કરવું, મુશ્કેલ કે ગંભીર વાતચીત ટાળવી, પોતાની યોગ્યતા કે કિંમતને માત્ર કામ સાથે જોડી દેવી અને નાની પણ સારી આદતોને મહત્વ ન આપવું ખૂબ નુકસાનકારક સાબિત થાય છે.

વધુ જુઓ...