Thu Jun 18 2026

Logo

ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાં મિનિટોમાં 7 કરોડ સાફ, રાજ્યમાં પ્રથમવાર આખી બેંકનું સર્વર હેક કરી ખેલાયો ખેલ

2026-03-11 13:27:00
Author: Mayurkumar Patel
Article Image

ભાવનગરઃ રાજ્યમાં કોઈને કોઈ શહેરમાં સાયબર ફ્રોડની ઘટના સામે આવતી રહે છે. પરંતુ આ વખતે જે ઘટના સામે આવી છે તે જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય.  ગુજરાતમાં પહેલી વખત કોઈ બેંકનું સર્વર હેક કરી સાત કરોડ સેરવી લેવામાં આવ્યા હતા. ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેન્કનું સર્વર હેક કરવામાં આવ્યું હતું. જેના કારણે તમામ બ્રાંચમાં કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું.

કઈ કઈ બ્રાંચમાં થયા ટ્રાન્ઝેક્શન

ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંકનું સર્વર હેક કરીને તળાજા, ભરતનગર, સુભાષનગર અને સિદસર એ ચાર બ્રાંચના બેંક એકાઉન્ટ્સમાં કુલ 350 ટ્રાન્ઝેકશન કરી કુલ 7 કરોડ રૂપિયા બીજા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાયા હતા. બેંકના ચેરમેન રસીકભાઈ ભિંગરાડીયાએ જણાવ્યું હતું કે, સોમવારે સવારે રૂટિન ચેકિંગ દરમિયાન આ છેતરપિંડી પ્રકાશમાં આવી હતી. તેમણે કહ્યું કે સામાન્ય રીતે રજાના દિવસોમાં મોબાઈલ બેંકિંગ દ્વારા 70-80 લાખ રૂપિયાના વ્યવહારો નોંધાતા હોય છે, પરંતુ સોમવારે સવારે 10:00 વાગ્યાની આસપાસ જ્યારે સ્ટાફે સિસ્ટમ તપાસી ત્યારે ટ્રાન્ઝેક્શનની રકમ 7 કરોડ રૂપિયાથી વધુ દેખાતી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે તપાસ દરમિયાન અધિકારીઓના ધ્યાને આવ્યું હતું કે ટૂંકા ગાળામાં સતત ઉપાડ થઈ રહ્યો હતો. સોફ્ટવેર કંપનીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને બેંકની સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધીમાં ચાર શાખાઓ દ્વારા છેતરપિંડીભર્યા વ્યવહારો થઈ ચૂક્યા હતા.

ભિંગરાડીયાએ જણાવ્યું હતું કે બેંકે ભાવનગર પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો હતો, પરંતુ સાયબર ક્રાઈમ તપાસની સુવિધાઓ મુખ્યત્વે ગાંધીનગરમાં ઉપલબ્ધ હોવાથી બેંકની ટીમ ટેકનિકલ નિષ્ણાતો સાથે વિગતવાર ફરિયાદ ત્યાં આવીને નોંધાવવામાં આવી હતી. તેમણે ઉમેર્યું હતું કે પ્રાથમિક તપાસમાં આ છેતરપિંડી સોફ્ટવેરની ખામી સાથે જોડાયેલી હોવાનું જણાય છે, અને બેંકના આંતરિક અધિકારીઓ પાસે મુખ્ય સોફ્ટવેરની કી  પર કોઈ નિયંત્રણ નહોતું, જે સોફ્ટવેર પ્રોવાઈડર દ્વારા સંભાળવામાં આવે છે.

સોફ્ટવેર કંપની જવાબદાર છે: જનરલ મેનેજર

બેંકના જનરલ મેનેજર જે.કે. કેવડીયાએ જણાવ્યું હતું કે આ છેતરપિંડી રવિવારે થઈ ત્યારે બેંક બંધ હતી. કોઈ અજાણ્યા હેકરે કથિત રીતે સોફ્ટવેર સિસ્ટમ એક્સેસ કરી હતી અને ચાર ખાતાઓ દ્વારા અંદાજે 1,170 NEFT ટ્રાન્ઝેક્શન કર્યા હતા. તેમણે કહ્યું કે આ મામલે તરત જ ઇન્ફ્રા સોફ્ટવેર કંપનીને જાણ કરવામાં આવી હતી, જેની ટેકનિકલ ટીમે આ ઉલ્લંઘનની તપાસ શરૂ કરી દીધી છે. જે બેંકોમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તેમને જાણ કરવામાં આવી છે અને તે ખાતાઓને ફ્રીઝ કરવાના પગલાં લેવામાં આવ્યા છે. કેવડીયાએ જણાવ્યું હતું કે આ માટેની જવાબદારી સોફ્ટવેર કંપનીની છે. તેમણે ઉમેર્યું હતું કે બેંકના ભંડોળનો વીમો લેવામાં આવ્યો છે, અને નિયમો મુજબ નુકસાનની વસૂલાત કરવામાં આવશે.

કામગીરી સ્થગિત થવાને કારણે ખેડૂતોને મુશ્કેલી  

ચેરમેન ભિંગરાડીયાએ જણાવ્યું હતું કે સાયબર છેતરપિંડીના કારણે બેંકે તેની કામગીરી કામચલાઉ ધોરણે બંધ કરી દીધી છે, જેના કારણે ખેડૂતો અને ખાતેદારોને અસુવિધા થઈ શકે છે. બેંકની 88 શાખાઓ અને એક હેડ ઓફિસ છે અને અંદાજે સાત લાખ ખાતાધારકો છે. ખાતાધારકોને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમની થાપણ પર કોઈ અસર નહીં પડે. હાલમાં બેંક દ્વારા અન્ય ટ્રાન્ઝેકશન બંધ કરી દેવામાં આવ્યા છે.