Tue Jul 28 2026

Logo

અબડાસામાં 650 ખેડૂતો આર્થિક સંકટમાં, ટેકાના ભાવે વેચેલી બાજરીના 7 કરોડ અટવાયા

2026-07-25 12:32:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: અબડાસા તાલુકામાં ચાલુ વર્ષે સરકાર દ્વારા હાથ ધરાયેલી ટેકાના ભાવે બાજરીની ખરીદીમાં વહીવટી વિલંબના કારણે ખેડૂતોની સ્થિતિ અત્યંત કફોડી બની છે. તાલુકાના આશરે 650 જેટલા ખેડૂતોએ સરકારી ખરીદ કેન્દ્રો પર પોતાની બાજરી જમા કરાવી દીધી હોવા છતાં, દોઢ મહિનો વીતી જવા છતાં સાત કરોડ જેટલી મોટી રકમનું ચૂકવણું ન થતાં ખેડૂત આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

આ અંગે વિગતો આપતાં સ્થાનિક અગ્રણી શિવજી ભાનુશાલીએ જણાવ્યું હતું કે, અબડાસા તાલુકાના ખેડૂતોએ ચાલુ સિઝન દરમિયાન ભારે મહેનત કરીને બાજરીનો પાક તૈયાર કર્યો હતો. સરકારી જાહેરાત પર વિશ્વાસ રાખીને ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્રો પર પોતાનો પાક વેચ્યો હતો. નિયમ મુજબ ખરીદી થયાના ટૂંકા સમયગાળામાં જ નાણાં જમા થઈ જવા જોઈએ, પરંતુ અહીં દોઢ મહિનો વીતી ગયો હોવા છતાં ખેડૂતોના ખાતામાં એક રૂપિયો પણ જમા થયો નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હાલ ખેડૂતોએ આગામી સિઝનની વાવણી માટે બિયારણ, ખાતર અને ખેતી વિષયક અન્ય ખર્ચાઓ કરવાના હોય છે. આવી સ્થિતિમાં રૂ. સાત કરોડ જેવી માતબર રકમ સરકારી તંત્રમાં કયા કારણોસર અટવાઈ પડી છે તે યક્ષપ્રશ્ન બન્યો છે. નાણાં ન મળવાને કારણે 650થી વધુ ખેડૂતો ગંભીર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

અબડાસાના ખેડૂતોની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીને સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ત્વરિત ધોરણે આ રકમ છૂટી કરવામાં આવે અને નાણાં સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થાય તેવી ઉગ્ર માંગણી ઉઠી છે. સ્થાનિક ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં આ પ્રશ્નનો ઉકેલ લાવવામાં નહીં આવે તો તેઓને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

ઉત્સવ વૈદ્ય