ભુજ: કચ્છ જિલ્લાના ભુજ, અંજાર અને અબડાસા પંથકમાં વિવિધ ઘટનાઓમાં 5 લોકોના મોત નીપજ્યા છે. કામ કરવા દરમિયાન સર્જાયેલા અકસ્માતો અને આપઘાતની વિવિધ ઘટનાઓમાં પાંચ વ્યક્તિઓએ જીવ ગુમાવી દેતાં પંથકમાં અરેરાટી વ્યાપી છે.
કચ્છમાં સર્જાયેલી વિવિધ ઘટનાઓ પર નજર કરીએ તો ભુજ તાલુકાના કનૈયાબે સ્થિત ‘એશિયા મોટર્સ વર્કસ’ પ્લાન્ટમાં કામ કરતી વેળાએ ઉત્તર પ્રદેશના વતની અને શ્રમિક એવા ગોપાલ રૂપેન્દ્ર જાદવ (ઉં.વ. ૨૭) સીડી પરથી ગબડી પડતાં ગંભીર રીતે ઘવાયા હતા. ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટના મામલે પદ્ધર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. તેવી જ રીતે લેર સીમમાં આવેલી ‘આશાપુરા કંપની’માં પતરાનું સમારકામ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે પડી જતાં કલ્પેશ અજય ભીલ (ઉં.વ. ૨૯) નામના શ્રમિકનું માથા તથા શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું.
બીજી તરફ, આપઘાતના બનાવોમાં કાલી તલાવડીના રહેવાસી મુકેશ રાઘુ ડાંગર (ઉં.વ. ૩૦) નામના યુવકે કોઈ અગમ્ય કારણોસર વાડીએ ઝેરી દવા ગટગટાવી લેતાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. જયારે સાપેડા ગામના જીતેન્દ્ર પ્રતાપ બળગા (ઉં.વ. ૩૯) નામના પરિણીત યુવકે ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
સમગ્ર મામલે અંજાર પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે. આ ઉપરાંત અબડાસાના સાંધાણ ગામે નંદનીબેન માધવજી કટુઆ (ઉં.વ. ૧૮) નામની યુવતીએ પોતાના ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ જીવનલીલા સંકેલી લેતાં કોઠારા પોલીસે તપાસ હાથ ધરી છે.