અમદાવાદઃ અમદાવાદમાં સ્પામાં ઘૂસીને 4 યુવકે નોકરને ચોથા માળેથી ફેંકીને પતાવી દેતા પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો હતો. પોલીસે આ કેસમાં 4 લોકોની ધરપકડ કરી હતી. જેમની પૂછપરછ દરમિયાન પ્રેમિકા સાથે થયેલી બોલાચાલીનો બદલો લેવા માટે પ્રેમીએ મિત્રો સાથે મળીને હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો.
અમદાવાદના નરોડા-હંસપુરામાં આવેલા એક સ્પામાં યુવકની હત્યાના કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપી હજુ ફરાર હોવાથી તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી વિશાલ બારોટની પ્રેમિકા (જે ઓઢવના એક સ્પામાં કામ કરતી હતી) સાથે મૃતક અને તેના સાથીએ ઉગ્ર ઝઘડો કર્યો હતો. આ બોલાચાલીની અદાવત રાખીને વિશાલે તેના મિત્રો સાથે મળીને યુવકને ચોથા માળેથી ફેંકી દીધો હતો. જેના કારણે તેનું મોત થયું હતું.
આરોપીઓનો છે ગુનાહિત ઈતિહાસ
પોલીસે આરોપીઓ વિશાલ બારોટ, કરણ ચુનારા, રોહિત ઉર્ફે ગબ્બર રાજપૂત અને કિશન ચુનારાને રાજસ્થાન ભાગી જાય તે પહેલાં જ ઝડપી લીધા હતા. જ્યારે પરેશ વિશ્વકર્મા નામના આરોપીની શોધખોળ ચાલુ છે. પકડાયેલા ચારેય આરોપીઓ અગાઉ પણ ચોરી, મારામારી અને દારૂના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.
ક્યારે બની હતી ઘટના
મંગળવારે મોડી રાત્રે સ્પામાં ઘૂસેલા પાંચ શખ્સોએ યુવકને ઢોર માર મારીને ચોથા માળેથી નીચે ફેંકી દીધો હતો, જેથી તેનું મોત થયું હતું. ઘટના સમયે ઓઢવ વિસ્તારમાં ચાલતા સ્પામાં પોલીસની રેડને લઈ યુવકે બાતમી આપ્યાની અદાવતમાં નરોડાના હંસપુરા વિસ્તારમાં સરદાર પટેલ રિંગ રોડ પર એક બિલ્ડિંગના સ્પામાં ચોથા માળેથી યુવકને ફેંકી દેવામાં આવ્યો હોવાની વિગત સામે આવી હતી. આ પહેલા યુવકને સ્પામાં જ કામ કરતી મહિલાની નજર સામે જ બેફામ મારવામાં આવ્યો હતો. જોકે આરોપીઓ પકડાયા બાદ તેમની પૂછપરછમાં નવો જ ઘટસ્ફોટ થયો હતો.