ભુજઃ ગુજરાતમાં 'ઓપરેશન ડેલ્ટા હન્ટ' હેઠળ પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસે સંયુક્ત રીતે જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડીને પાસપોર્ટ કે વિઝા વગર ગેરકાયદેસર રીતે રહેતા ૧૨ મહિલાઓ અને ૩ બાળકો સહિત કુલ ૩૪ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યા હતા આ તમામ ઘૂસણખોરોને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાંગ્લાદેશ ડીપોર્ટ (પરત મોકલવા) કરવાની તજવીજ હાથ ધરાશે.
મળતી વિગતો મુજબ, સ્થાનિક ગુનાશોધક શાખા, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક પોલીસ મથકોની વિવિધ ટુકડીઓએ આ સરહદી જિલ્લાના ઔદ્યોગિક તેમજ શહેરી વિસ્તારોમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે અંજાર, આદિપુર અને ગાંધીધામ શહેરની આસપાસ આવેલી લાકડાની ફેક્ટરીઓ તથા અન્ય એકમોમાં તપાસ કરીને ૨૭ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ ૨૭ નાગરિકોમાં ૧૮ પુરુષો, ૬ મહિલાઓ અને ૩ બાળકોનો સમાવેશ થાય છે, જેઓ અહીં કોઈપણ કાયદેસરના દસ્તાવેજો વિના મજૂરી કામ કરતા હતા.
બીજી તરફ, પશ્ચિમ કચ્છ પોલીસની ટુકડીઓએ જિલ્લા મથક ભુજ અને આસપાસના વિસ્તારોમાં કુલ ૮૩ શકમંદોની કડક પૂછપરછ કરી હતી, જેમાંથી ૭ બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું ખૂલ્યું હતું. પોલીસે માધાપરમાંથી ૩, લોડાઈમાંથી ૨, તેમજ ખાવડા અને ભુજ શહેરમાંથી ૧-૧ બાંગ્લાદેશીને દબોચી લીધા હતા. પશ્ચિમ કચ્છમાંથી પકડાયેલા આ ૭ નાગરિકોમાં ૬ મહિલાઓ અને ૧ પુરુષ સામેલ છે.
પકડાયેલી મોટાભાગની બાંગ્લાદેશી મહિલાઓ સ્થાનિક સ્પા અને મસાજ સેન્ટરોમાં કામ કરતી હોવાનું બહાર આવ્યું છે. જો કે, વહીવટી તંત્રે માત્ર આવી ટૂંકા ગાળાની વિશેષ ઝુંબેશો પર નિર્ભર રહેવાને બદલે સ્થાનિક ફેક્ટરીઓ, બાંધકામ સાઇટો અને ભાડૂઆતોની નિયમિત ચકાસણી કરવી જરૂરી છે. બહારથી આવતા શ્રમિકોની ઓળખ માટે 'સી-ફોર્મ' અને 'સી-રોલ' અંતર્ગત નોંધણીની પ્રક્રિયા કડક રીતે અમલી બને તો જ સરહદી જિલ્લામાં થતી આવી ઘૂસણખોરી પર કાયમી અંકુશ મેળવી શકાશે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.
(ઉત્સવ વૈદ્ય)