Mon Oct 05 2026

Logo

મુંબઈ ઈન્ડિયન્સના 33 વર્ષના સ્પિનરે વિકેટ લેતાં જ ખિસ્સામાંથી કાગળ કાઢ્યો, શું લખેલું હતું કાગળ પર ?

2026-05-05 13:06:00
Author: Savan Zalariya
મુંબઈ ઈન્ડિયન્સના 33 વર્ષના સ્પિનરે વિકેટ લેતાં જ ખિસ્સામાંથી કાગળ કાઢ્યો, શું લખેલું હતું કાગળ પર ?

મુંબઈઃ આઈપીએલ 2026ના 47મા મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે લખનઊ સુપર જાયન્ટ્સને 6 વિકેટથી હાર આપી હતી. 229 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે રોહિત શર્મા અને રિયાન રિકલ્ટને પ્રથમ વિકેટ માટે 143 રનની ભાગીદારી કરીને જીતનો પાયો નાંખ્યો હતો. રોહિત શર્મા પ્લેઈંગ 11નો હિસ્સો નહોતો, તે રઘુ શર્માના સ્થાને ઈમ્પેક્ટ પ્લેયર બનીને બેટિંગ કરવા ઉતર્યો હતો. રઘુ તેની બીજી આઈપીએલ મેચ રમતો હતો. તેણે અક્ષત રઘુવંશીના રૂપમાં પ્રથમ વિકેટ લીધી હતી. રઘુએ અનોખા અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. 33 વર્ષના આ સ્પિનરે વિકેટ લેતાં જ ખિસ્સામાંથી કાગળ કાઢ્યો હતો. જેમાં જયશ્રી રામ લખ્યું હતું.

શું લખેલું હતું કાગળ પર 

રઘુ શર્માએ 13મી ઓવરના પ્રથમ બોલ પર અક્ષર રઘુવંશીની વિકેટ લીધી હતી. તે કરિયરની બીજી આઈપીએલ મેચ રમતો હતો અને આ તેની પ્રથમ આઈપીએલ વિકેટ હતી. વિકેટ બાદ રઘુએ ખિસ્સામાંતી એક કાગળ કાઢ્યો હતો, જેમાં કઈંક લખેલું હતું. આ કાગળ પર પર લખ્યું હતું કે, રાધે રાધે, ગુરુદેવની કૃપાથી 15 વર્ષનો મુશ્કેલ સમય ખતમ થયો હતો. આ મોકો આપવા બદલ મુંબઈ ઈન્ડિયન્સનો આભાર. હું તમારો આભારી રહીશ. જયશ્રી રામ.

કોણ છે રઘુ શર્મા

રઘુ પંજાબનો રહેવાસી છે. તેનો જન્મ 11 માર્ચ 1993ના રોજ જાલંધરમાં થયો હતો. તે ઘરેલું ક્રિકેટમાં પંજાબ તરફથી રમે છે. 33 વર્ષીય આ બોલરને મુંબઈ ઈન્ડિયન્સે 2025ની સીઝનમાં 30 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો જોકે ગત વર્ષે એક પણ મેચ રમવાનો મોકો મળ્યો નહોતો. ચેન્નઈ સુપર કિંગ્સ સામે 2 મે ના રોજ રમાયેલી મેચથી આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. જેમાં તેને કોઈ વિકેટ મળી નહોતી અને મેચ મુંબઈ હાર્યું હતું.

રઘુ શર્માના ફર્સ્ટ ક્લાસ કરિયરની વાત કરીએ તો 20 ઈનિંગમાં તેણે 57 વિકેટ લીધી છે. તેણે 5 વખત 5 વિકેટ ઝડપવાનું કારનામું કરી ચુક્યો છે. લિસ્ટ એની 12 મેચમાં તેણે 18 વિકેટ લીધી છે. જ્યારે ટી20ની 6 મેચમાં તેના નામે 5 વિકેટ છે.