Wed May 06 2026

Logo

અમદાવાદમાં ગર્લફ્રેન્ડ્સને ફેરવવા મોંઘી બાઈકો ચોરતા 3 રાજસ્થાની યુવકો ઝડપાયા

2026-05-06 11:28:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં ગર્લફ્રેન્ડ્સને ફેરવવા મોંઘી બાઈકો ચોરતા 3 રાજસ્થાની યુવકોને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 13 બાઈક સહિત રૂપિયા 13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓ દિવસ દરમિયાન કરેલી રેકીના આધારે પાર્ક કરેલા સ્પોર્ટ્સ બાઇકના લોકમાં ડિસમિસ નાખીને લોક તોડીને માત્ર 25 સેકન્ડમાં જ વાહન ચોરી કરી નાસી જતા હતા. તેમજ ગર્લફ્રેન્ડને ફેરવવા અને સ્પોર્ટ્સ બાઇકના શોખ પૂરા કરવા ચોરી કરીને વાહનો વેચી દેતા હોવાનું સામે આવ્યું હતું. 

કેવી રીતે રાજસ્થાની યુવકો ઝડપાયા

બોડકદેવ, વસ્ત્રાપુર, ગુજરાત યુનિવર્સિટી અને સોલા જેવા શહેરના પોશ વિસ્તારમાં છેલ્લા 5 મહિનાથી મોંઘા સ્પોર્ટ્સ બાઇક ચોરીની ફરિયાદો વધી ગઇ હતી. સ્પોર્ટ્સ બાઇક ચોરીની ફરિયાદ વધતા પોલીસ દ્વારા ચોરી થયેલા વિસ્તારના CCTV ચેક કરવામાં આવ્યા હતા. ફૂટેજના આધારે પોલીસે સ્પોર્ટસ બાઇક ચોરી કરતી રાજસ્થાનની ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા હતા. 

કેવી મોંઘી બાઈકોની કરતા હતા ચોરી

પોલીસે તેમની પાસેથી 13 લાખની કિંમતના કેટીએમ, આર-15,બુલેટ, પલ્સર-200, એમટી-15 બાઇક કબજે કર્યા હતા. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આ તમામ બાઇકની ચોરી કરવામાં થાવરા ઉર્ફે થાવો ગરાસીયા, વિકાસ ગરાસીયા અને પ્રવીણ નામના આરોપીઓની પણ સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. 

આરોપીઓએ રાતના સમયે યુનિવર્સિટી, વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, બોડકદેવ, સાબરમતી વિસ્તારમાંથી આ બાઇકની ચોરી કરી હતી. પકડાયેલા ત્રણ પૈકી સુનીલ અને કૈલાશ ઓનલાઇન ડિલીવરી કંપનીમાં ડિલીવરી બોય તરીકે જ્યારે આરોપી વિજેશ હાઉસ કીપિંગનું કામ કરે છે. પોલીસે આરોપીઓ પાસેથી 13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓ થાવરા ઉર્ફે થાવો ગરાસીયા, વિકાસ ગરાસીયા અને પ્રવીણની શોધખોળ હાથ ધરી હતી

ડિલિવરી બોયની નોકરી દરમિયાન રેકી કરતા

પકડાયેલા આરોપીઓ પૈકી સુનીલ અને કૈલાશ બ્લિન્કિટમાં ડિલિવરી બોય તરીકે કામ કરે છે. દિવસભર ડિલિવરી કરવાના બહાને એક જ જગ્યાએ પડેલા અને જનરલ પાર્કિગમાં રહેલા સ્પોર્ટ્સ બાઈકની રેકી કરતા હતા. જે બાદ રાત્રિના સમયે નજીવી કિંમતના ડિસમીસ જેવા સાધનથી બાઇકનું સ્ટિયરિંગ લોક તોડીને ઇગ્નિશિયન ચાલુ કરીને માત્ર 25 સેકન્ડમાં સ્પોર્ટ્સ બાઇક ચોરી નાસી જતા હતા. 

ચોરેલા બાઈક આબુના પહાડી વિસ્તારમાં અડધા ભાવે વેચી દેતા હતા

આરોપીઓ ગર્લફ્રેન્ડને ખરીદી કરાવવા માટે અને પોતાના મોજશોખ પુરા કરવા માટે અને સ્પોર્ટ્સ બાઇકની રિસેલ વેલ્યુ વધુ મળતી હોવાથી માત્ર સ્પોર્ટ્સ બાઇક ચોરી કરતા હતા. ચોરીના બાઇક માઉન્ટ આબુના પહાડી વિસ્તારમાં અડધા ભાવે વેચી નાખતા હતા. ગેંગનો મુખ્ય આરોપી થાવરા ઉર્ફે થાવો છે અને કૈલાશ ગરાસિયાના કહેવાથી ખાસ ચોરી કરવા આવીને બાઇક ચોરીને ભાગી જતો હતો.