Thu Jun 18 2026

Logo

કચ્છના બન્નીમાં આડા સંબંધની અદાવતમાં ૨૩ વર્ષીય યુવાનની કુહાડી ઝીંકી હત્યા

2026-03-11 14:36:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજઃ કચ્છના ભાતીગળ બન્ની પ્રદેશના પશુપાલન સાથે જોડાયેલા હોડકો ગામના નિર્જન સીમાડામાં ૨૩ વર્ષીય યુવાનનો કરપીણ હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.

આ અંગે હોડકો ગામના રહેવાસી ઇશાભાઇ અમીનભાઇ હાલેપૌત્રાએ ધોરડો પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદને ટાંકીને પી.આઇ. ચાવડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ફરિયાદીનો ભત્રીજો ઇસ્માઇલ ઇબ્રાહીમ હાલેપૌત્રા (ઉં.વ.૨૩) ગત રાત્રિના નવ-સાડા નવ વાગ્યાથી ગુમ હતો. અને તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ આવતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી હતી. વહેલી સવાર સુધી ચાલેલી શોધખોળ બાદ, હોડકો ગામની સીમમાં 'ઉધમા કડો' તરીકે ઓળખાતી જગ્યાએ બાવળોની ઝાડીમાંથી ઇસ્માઇલની ગરદનના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ગંભીર ઘા મારેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ફરિયાદીએ રાજવાણી-વાઢ વિસ્તારના અબ્દુલા હૈદર હાલેપૌત્રા, હનીફ અબ્દુલા હાલેપૌત્રા, મુસ્તાક અબ્દુલ હાલેપૌત્રા,જ્ઞાનુ મામદ હાલેપૌત્રા,ઇશા કાદુ હાલેપૌત્રા નામના શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. 

પી.આઇ. ચાવડાએ ઉમેર્યું હતું કે, મૃતક ઇસ્માઇલને આરોપીની અપરિણીત બહેન સાથે આડા સંબંધ હતા. આ બાબતે અગાઉ બંને પરિવારો વચ્ચે સમજાવટ અને સમાધાન પણ થયું હતું. જોકે, મનમાં ખાર રાખીને આરોપીઓએ કાવતરું ઘડ્યું હતું. એક કિશોર વયના આરોપીએ ઇસ્માઇલને "શિકાર કરવા જવું છે" તેમ કહીને સીમમાં બોલાવ્યો હતો અને ત્યાં જંગલ વિસ્તારમાં એકલતાનો લાભ લઈ, ગરદન પર કુહાડીના ઘા ઝીંકી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

નોંધનીય છે કે, પશુપાલન સાથે જોડાયેલા અને શાંત ગણાતા આથમણી બન્ની વિસ્તારમાં અંદાજે ૨૬ વર્ષ બાદ હત્યાનો બનાવ બન્યો છે. અગાઉ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકંપ પહેલા શેરવો-સરાડો સીમ વિસ્તારમાં આવી ઘટના બની હતી. લાંબા સમય બાદ થયેલા આ જઘન્ય હત્યાકાંડથી માલધારી સમુદાયમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(ઉત્સવ વૈદ્ય)