Wed Aug 12 2026

Logo

સુરતમાં હીટ એન્ડ રનમાં 22 વર્ષીય યુવતીનું મોત, પરિવારે નેત્રદાન કરવાનો લીધો નિર્ણય

2026-08-06 16:12:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ સુરત શહેરમાં હીટ એન્ડ રનની એક ઘટનામાં માત્ર 22 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. યુવતી પોતાનું ઈલેક્ટ્રિક બાઈક લઈ કૉલેજે જઈ રહી હતી ત્યારે એક કારચાલકે તેના વાહનને જોરદાર ટક્કર મારી હતી અને તેનાં પરથી કાર ચલાવી ફરાર થઈ ગયો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
 
અહીંની સિવિલ હૉસ્પિટલ નજીક આવેલા બ્રિજ પર આ ઘટના બની હતી, જેમાં સ્નેહા ધોરી નામની યુવતીએ જીવ ગુમાવ્યો હતો. સ્નેહાના પિતા એમ્બ્રોડરીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સ્નેહા ભણવામાં હોશિયાર હતી અને સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કરી રહી હતી. તેની સાઇકિયાટ્રિસ્ટ બનવાની હતી. માતા-પિતા અને ભાઈ સાથે બોમ્બે માર્કેટ નજીકની સોસાયટીમાં રહેતી સ્નેહાએ બે-ત્રણ મહિના પહેલા આંખોના નંબર દૂર કરાવવા માટેની સર્જરી કરાવી હતી. દીકરીની આ આંખોને પરિવારે દાન કરવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.
 
સ્નેહાનાં તબીબી અહેવાલ અનુસાર કારચાલકે તેને પછાડ્યા બાદ તેની પીઠ પરથી કાર ચલાવી હોવાની શક્યતા છે. તેની પીઠ પર કારના ટાયરના નિશાન છે. સ્નેહાના આંતરિત અવયવોને ભારે નુકસાન ગયું હતું અને ઈન્ટરનલ બિલ્ડિંગ પણ બહુ થયું હતું. યુવતીને હૉસ્પિટલે ઘણી જ નાજુક હાલમાં લાવવામાં આવી હતી. સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
 
બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસમથકનો સ્ટાફ ઘટનાસ્થળે અને ત્યારબાદ હૉસ્પિટલે પહોંચ્યો હતો. યુવતીના પિતાની ફરિયાદને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ ચેક કરી કારચાલકને શોધવા માટે ટીમને આદેશ આપ્યા હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.