હ્યુસ્ટનઃ ફૂટબૉલની રમતમાં સામાન્ય રીતે જો કોઈ મૅચની શરૂઆત થતાં થોડી વારમાં જ ગોલ થઈ જાય તો એ ફાસ્ટેસ્ટ છે કે સેકન્ડ ફાસ્ટેસ્ટ છે કે થર્ડ ફાસ્ટેસ્ટ એ જૂની રેકૉર્ડ-બુક પરથી અપડેટ થઈ જાય છે અને એમાં ગોલ (Goal) કરનાર ખેલાડી કે તેની ટીમનું નામ વિક્રમોની આ પોથીમાં આવી જાય છે, પરંતુ આપણે જે વાત કરવા જઈ રહ્યા છે એ આખેઆખા ફિફા વર્લ્ડ કપની છે.
વાત એવી છે કે 1930માં શરૂ થયેલા ફિફા વર્લ્ડ કપનું આ 96મું વર્ષ છે અને એમાં શનિવારે નેધરલૅન્ડ્સ-સ્વિડન વચ્ચેની મૅચ એવી હતી જે રેકૉર્ડ-બુકમાં આવી ગઈ. આ વખતના વર્લ્ડ કપની આ 33મી મૅચ હતી અને એમાં 100મો (100th) ગોલ નોંધાયો હતો. આ 23મો વિશ્વ કપ છે અને એક વર્લ્ડ કપમાં સૌથી ઓછી મૅચમાં 100 ગોલ થયા હોય એમાં આ વખતની ટૂર્નામેન્ટ બીજા નંબરે છે.
33મી મૅચમાં 100મો ગોલ થવો એ બહુ મોટી વાત છે, કારણકે એક સાથે 1982 અનેે 2014ના વર્લ્ડ કપનો આંકડો પાર થયો છે. 1982 અને 2014ની ટૂર્નામેન્ટમાં 36મી મૅચમાં 100મો ગોલ થયો હતો. બાય ધ વે, વર્લ્ડ રેકૉર્ડ 1954ના વર્લ્ડ કપનો છે. 72 વર્ષ પહેલાંના એ વિશ્વ કપમાં માત્ર 20મી મૅચમાં 100મો ગોલ થયો હતો.
દરમ્યાન, નેધરલૅન્ડ્સે સ્વિડન સામેની શનિવારની મૅચ 5-1થી જીતી લીધી હતી. નેધરલૅન્ડ્સ ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં કુલ 100 ગોલ કરનાર આઠમો દેશ બન્યો છે.