અમદાવાદ: ગુજરાતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે. આ પૈકી મોટાભાગના લોકો ઈ-મેમોની રકમ ભરતા નથી. ઈ-મેમો દ્વારા ફટકારવામાં આવેલા દંડની રકમ સતત વધી રહી હોવાથી એક મોટો નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ટ્રાફિકના બાકી ઈ-ચલણ ન ભરનારા વાહનચાલકો હવે બાકી લેણાં નહીં ચૂકવે ત્યાં સુધી વિવિધ RTO સેવાઓનો લાભ લઈ શકશે નહીં. આ દરમિયાન સામે આવેલી વિગત પ્રમાણે, રાજ્યમાં 2021થી અત્યાર સુધીમાં ઈ-ચલણના બાકી દંડની રકમ 1600 કરોડને પાર કરી ગઈ છે.
કોણે જાહેર કર્યા આંકડા
રાજ્યસભામાં માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, 1 જાન્યુઆરી 2021થી 30 જુલાઈ 2026 વચ્ચે માત્ર છ રાજ્યોમાં જ ગુજરાત કરતાં વધુ રકમના ચલણ બાકી છે.

કયા સાત રાજ્યો છે મોખરે
આ યાદીમાં ઉત્તર પ્રદેશ રૂ. 11,331 કરોડથી વધુના બાકી ચલણ સાથે પ્રથમ સ્થાને છે, ત્યારબાદ દિલ્હી રૂ. 11,097.07 કરોડ સાથે બીજા, તમિલનાડુ રૂ. 3,601.76 કરોડ સાથે ત્રીજા, હરિયાણા રૂ. 2,620.53 કરોડ સાથે ચોથા, ઓડિશા રૂ. 2,167.52 કરોડ સાથે પાંચમાં અને રાજસ્થાન રૂ. 2,066.91 કરોડ સાથે છઠ્ઠા ક્રમે છે. ગુજરાત રૂ. 1,607.64 કરોડના બાકી દંડ સાથે દેશમાં સાતમા ક્રમે છે.
કયા વર્ષે કેટલા ઈ-મેમો આપ્યા
લોકસભામાં જાહેર થયેલી વિગત પ્રમાણે, 2022માં 2.85 લાખ, 2023માં 16.05 લાખ, 2024માં 43.25 લાખ, 2025માં 85.74 લાખ અને 2026ના પ્રથમ છ મહિનામાં 51.52 લાખ મળી કુલ 199.41 લાખ ઈ મેમો ઈસ્યુ થયા છે.
દર મિનિટે 17 ઈ-મેમો
ઈ-ચલણના નેશનલ પોર્ટલ પર જોડાયા પછી ગુજરાતે અત્યાર સુધીમાં લગભગ 1.99 કરોડ ઈ-ચલણ જારી કર્યા છે. વર્ષ 2023માં 16.04 લાખ, 2024માં 43.25 લાખ અને 2025માં વધીને 85.74 લાખ ઈ-ચલણ ઇશ્યૂ થયા હતા. વર્ષ 2026ના પ્રથમ સાત મહિનામાં જ 51.52 લાખ ઈ-ચલણ કરવામાં આવ્યા છે. જેનો અર્થ છે કે દરરોજ સરેરાશ 24,500, દર કલાકે 1,020 અને દર મિનિટે લગભગ 17 ચલણ ઇશ્યૂ થઈ રહ્યા છે.
15% વાહનચાલકો જ નિયમિતપણે ઈ-ચલણ ભરે છે
સૂત્રોના જણાવ્યા મુજબ, માત્ર 15% વાહનચાલકો જ સામેથી નિયમિતપણે ઈ-ચલણ ભરે છે, જ્યારે મોટાભાગના લોકો કોર્ટની નોટિસ આવ્યા પછી જ દંડ ભરે છે. જૂના સરનામે નોંધાયેલા વાહનો અને સરનામું બદલાઈ જવાથી લોકોને ઈ-ચલણ મળતા નથી. ગુજરાતમાં સૌથી વધુ ચલણ સ્ટોપ-લાઇનનું ઉલ્લંઘન અને હેલ્મેટ વગર વાહન ચલાવવા માટે થાય છે.
કેન્દ્ર સરકારના નવા સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ, 2026 મુજબ, જો બાકી ચલણ નહીં ભરાય તો વાહન અને ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓ રોકી શકાશે. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનાર વાહનચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ પણ થઈ શકે છે.