Tue Oct 06 2026

Logo

ગુજરાતના આ બે જિલ્લામાં બે વર્ષમાં રક્તપિત્તના 1600થી વધુ દર્દીઓ નોંધાયા, સરકારે વિધાનસભામાં જાહેર કર્યા આંકડા

2026-09-10 12:28:00
Author: Mayur Patel
ગુજરાતના આ બે જિલ્લામાં બે વર્ષમાં રક્તપિત્તના 1600થી વધુ દર્દીઓ નોંધાયા, સરકારે વિધાનસભામાં જાહેર કર્યા આંકડા

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના સત્રનો આજે બીજો દિવસ છે. પ્રશ્નોત્તરી કાળમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા રક્તપિત્તનો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે, 31-07-2026ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં વડોદરા અને સુરત જિલ્લામાં રક્તપિત્તના કેટલા કેસો નોંધાયા છે? જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું કે, સુરત જિલ્લામાં 01-08-2024થી 31-07-2025 સુધી 408 અને 01-01-2025 થી 31-07-2026 સુધી 602 મળી કુલ 1010 કેસ નોંધાયા હતા. જ્યારે આ સમયગાળામાં વડોદરા જિલ્લામાં અનુક્રમે 253 અને 375 મળી કુલ 628 કેસ નોંધાયા હતા. બંને જિલ્લામાં મળી કુલ 1638 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 30 જાન્યુઆરીને વિશ્વ રક્તપિત્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ સમાજમાં રક્તપિત્ત પ્રત્યે જાગૃતિ લાવવી, રોગચાળાને અટકાવવો અને દર્દીઓ પ્રત્યેના ભેદભાવને દૂર કરવાનો છે. એક સમયે અસાધ્ય ગણાતો આ રોગ હવે આધુનિક તબીબી વિજ્ઞાનને કારણે સંપૂર્ણપણે મટી શકે તેમ છે.

સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે રક્તપિત્ત અડવાથી કે હાથ મિલાવવાથી ફેલાય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ વાત તદ્દન ખોટી છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રે નામના જીવાણુથી થતો રોગ છે. તે માત્ર લાંબા સમય સુધી સારવાર ન લીધેલ દર્દીના શ્વાસોશ્વાસના સંપર્કથી ફેલાઈ શકે છે, પરંતુ સાથે ઉઠવા-બેસવાથી કે સ્પર્શથી ફેલાતો નથી.

રક્તપિતની અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1954માં વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઈ હતી. ભારતમાં પણ 30મી જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથિ નિમીત્તે તે દિવસને એન્ટી લેપ્રસી ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.