Tue Oct 06 2026

Logo

વડોદરામાં બેંક લોકરમાંથી 35 તોલા સોનું ચોરાતા 1,500 ગ્રાહકો પોતાના દાગીના ચેક કરવા દોડ્યા!

2026-02-14 10:28:00
Author: Devayat Khatana
વડોદરામાં બેંક લોકરમાંથી 35 તોલા સોનું ચોરાતા 1,500 ગ્રાહકો પોતાના દાગીના ચેક કરવા દોડ્યા!

વડોદરા: બે દિવસ પહેલ વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી  બેંકમાં લોકર સુરક્ષામાં મોટી ચૂક સામે આવતા ભારે ચકચાર મચી ગઈ હતી. ગ્રાહક જ્યારે પોતાની દીકરીના બે દિવસ પછી યોજાનારા લગ્ન માટે ઘરેણાં લેવા બેંક પહોંચ્યા, ત્યારે લોકર ખોલતા જ અંદર રાખેલા એલ્યુમિનિયમના બોક્સનું તાળું તૂટેલું હતું અને તેમાંથી અંદાજે 30 થી 35 તોલા સોનાના દાગીના, જેમાં સોનાના બિસ્કિટ, સિક્કા, બંગડીઓ અને ચેઈનનો સમાવેશ થાય છે, તેની ચોરી થઈ હતી. નવાઈની વાત એ છે કે તસ્કરોએ માત્ર સોનાની જ ચોરી કરી હતી અને ચાંદીના દાગીના તેમજ ભંગારને લોકરમાં જ છોડી દીધા હતા.

બેંકની શાખાના લોકરમાંથી સોનાના દાગીના ગુમ થયાના આક્ષેપોએ ગ્રાહકોમાં ચિંતા ફેલાવી છે, જેના કારણે લોકરમાં મુકેલી કિંમતી વસ્તુઓને ચેક કરવા માટે દોડધામ મચી ગઈ હતી. છેલ્લા બે દિવસમાં લગભગ 1,500 લોકર ધારકોએ તેમના લોકરની તપાસ કરી હતી, જોકે હજુ સુધી અન્ય કોઈ નુકસાન થયું નથી.

આ ઘટના અંગે ભોગ બનનાર પરિવારે બેંક મેનેજમેન્ટ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા હતા. ફરિયાદીના  જણાવ્યા અનુસાર, મુખ્ય લોકર તોડ્યા વગર અંદરના બોક્સ સુધી કેવી રીતે પહોંચાયું તે અંગે બેંક પાસે કોઈ જવાબ નથી, ઉલટાનું બેંકના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે પોલીસ ફરિયાદ કરવાને બદલે આંતરિક સમાધાન કરવા દબાણ કર્યું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પરિવારે પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.