Tue Sep 08 2026

Logo

સાંતલપુરમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર: ખેતરો-ગામો બેટમાં ફેરવાયા, પૂરના પાણીમાં તણાતા 8ના મોત

2026-07-25 09:23:00
Author: Mumbai Samachar Team
સાંતલપુરમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર: ખેતરો-ગામો બેટમાં ફેરવાયા, પૂરના પાણીમાં તણાતા 8ના મોત

સતત બીજા દિવસે ધોધમાર વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં, રસ્તાઓ પર પાણી જ પાણી જોવા મળ્યા હતા. સમગ્ર રાજ્યમાં 40,500 લોકોનું સ્થળાંતર અને 6,367 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જ્યારે પૂરના પાણીમાં ડૂબી જવાથી સુરતમાં બે વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા. 

નવસારીમાં NDRFને રેસ્કયૂ સમયે 4 મૃતદેહ મળ્યા

નવસારીના ઊંડાચ ગામે કાવેરી નદીના પૂરના પાણી ઘૂસી જતાં ભારે વિનાશ સર્જાયો છે. નદીના તીવ્ર વહેણમાં કેટલાક લોકો તણાયા હતા, જે પૈકી NDRFની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન 4 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત અમરેલીના લાઠી તાલુકાના માલવીયા પીપળીયા ગામે અઢી વર્ષની બાળકી અને કૃષ્ણગઢ ગામ નજીક આવેલી નદીમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હતો.

પાણીના પ્રવાહમાં તણાતા બે યુવકો લાપતા

બીજી, તરફ ઇડર તાલુકાના ચિત્રોડી ગામે નદીના કોઝવે પરથી પસાર થતા બે યુવકો પાણીના પ્રવાહમાં બાઇક સાથે તણાયા હતા. સ્થાનિક ગ્રામજનો દ્વારા એકને બચાવી લેવાયો હતો, જ્યારે બીજા યુવક લાપતા થયો હતો. રાજકોટના ગોંડલ-જેતપુર નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈને વિરપુર જતા રસ્તે ઘોડાપૂરમાં કાર તણાઈ હતી, પરંતુ હજુ સુધી કાર ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી. તંત્ર દ્વારા ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.

બોટાદમાં છકોડ રિક્ષા નદીના પૂરમાં તણાઈ, એકનું મોત

બોટાદના બરવાળા ખાતે ખાંભડા ડેમમાંથી પાણી છોડાતાં ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી પરનો કોઝવે પાણી ગરકાવ થયો હતો, જે દરમિયાન ત્યાંથી પસાર થતી એક છકડો રિક્ષા પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ હતી. રિક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ બરવાળા અને બોટાદ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે.

નવસારીમાં વાયુસેના દ્વારા એરલિફ્ટ અને સૈન્યની ટુકડીઓ મેદાનમાં

નવસારી જિલ્લામાં પૂરની વિકટ પરિસ્થિતિ સામે પહોંચી વળવા NDRF અને SDRFની 4 ટુકડીઓ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્પેશિયલ મિલિટરી બટાલિયનને બોલાવવામાં આવી છે, જે અત્યાધુનિક ઇક્વિપમેન્ટ સાથે ધમડાછા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રેસ્ક્યૂ કરી રહી છે. બીજી તરફ, ગણદેવી તાલુકાના ભાટ ગામ પાસે ઝીંગા ફાર્મ પર ફસાયેલા 30થી વધુ લોકોએ મદદ માટે પોકાર લગાવતાં, વાયુસેનાના હેલિકોપ્ટર મારફતે તમામ લોકોને સુરક્ષિત રીતે એરલિફ્ટ કરીને બચાવી લેવાયા છે.

24 કલાકમાં ખેડા જિલ્લામાં 24 ઇંચ વરસાદ

વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા 30 વર્ષના મોસમના સરેરાશ વરસાદ કરતા આ વર્ષે અત્યાર સુધીમાં 90.98 ટકા અને 95.13 ટકા સરેરાશ વરસાદ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ખેડા જિલ્લામાં સૌથી વધુ આશરે 24 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.