- પ્રતીક્ષા થાનકી
ઝેરમાટ જવા નીકળી તો પડ્યાં હતાં, પણ ત્યાં ટૅશનું ટર્મિનલ પાર્કિંગ પહોંચ્યાં ત્યાં સુધીમાં તો વરસાદે એવું જોર પકડ્યું હતું કે આ ખીણમાં વસેલા રિજનથી કાર પાછી લઈને નીકળી શકીશું કે કેમ એ પ્રશ્ન થવા લાગ્યો હતો. વરસાદમાં પણ સ્વિત્ઝરલેન્ડ તો હતું એટલું જ સુંદર લાગી રહૃુાં હતું, પણ ઘણાં અંશે અમને આસપાસના પહાડો તે સમયે તો દેખાતા પણ ન હતા. અહીંથી ગોટાર્ડ બ્હાન લઈને અમે ઝેરમાટ તરફ આગળ વધ્યાં. આ ટે્રન પહેલાં અમને ઝેરમાટ લઈને જવાની હતી અને ત્યાંથી અમને વેધર સપોર્ટિવ લાગે તો આગળ મેટરહોર્ન સુધી જવા મળવાનું હતું. આમ તો રાત્રે અમારે બ્રિએન્ઝ પાસેના એપાર્ટમેન્ટ પર પાછાં જવાનો પ્લાન અને બૂકિગ હતાં જ, પણ જો બીજા દિવસનું વેધર ઓપન-અપ થવાનો જરા પણ અણસાર આવે તો અમે ઝેરમાટમાં રોકાઈ જવા પણ તૈયાર હતાં.
ગોટાર્ડ બ્હાનમાં અમારી સાથે ઝેરમાટમાં લાંબું રોકાવાનાં હોય એવી બેગ્સ લઈને ચઢેલાં ઘણાં ટૂરિસ્ટ હતાં. સ્વિત્ઝરલેન્ડની લોકપ્રિયતા આખા જગતમાં એવી છે કે લોકો અહીં આવવા માટે તો કોઈ પણ સિઝનમાં તૈયાર જ હોય છે. અહીં સમર હાઇક માટે આવ્યાં હોય કે સ્કી માટે, બારે માસ ટૂરિસ્ટની કોઈ કમી નથી હોતી. ઓક્ટોબરમાં તે સમયે તો લક ટ્રાય કરવા જેવું હતું. ક્યારેક આખું અઠવાડિયું કોં મળી શકે અને ક્યારેક પંદર દિવસ સુધી વાદળો અને વરસાદ ટેક-ઓવર કરી લે. અમે એવા જ અણધારા વરસાદિયા વાતાવરણમાં ઝડપાઈ ગયાં હતાં. જોકે તેને અમે અમારી એડવેન્ચર સ્પિરિટ પર જરાય અસર થવા ન દીધી.
ઝેરમાટનું મેઇન સ્ટેશન આવતાં માંડ 15 મિનિટ થઈ. જોકે તે દરમ્યાન વેલીનાં દૃશ્યો મજેદાર હતાં. વાદળો પહાડ પર આવીને જાણે વસી જ ગયાં હતાં. એક વાર ઝેરમાટ આવી ગયું પછી પણ વરસાદ ચાલુ જ રહૃાો. અમે થોડી વાર સ્ટેશનની બહાર કવર્ડ એરિયામાં ઊભાં રહીને ત્યાં વરસાદ બંધ કે હળવો થાય એની રાહ જોવા લાગ્યાં.
જેવો વરસાદ હળવો થયો કે અમે વિન્ડશિટર્સ અને છત્રીઓના ડબલ પ્રોટેક્શન સાથે શહેરને માણવા નીકળી પડ્યાં. બધે દુકાનો ખુલ્લી હતી અને સ્વિસ ક્વોલિટી મગજમાં રાખો તો ખરીદી કરવાની ઇચ્છા થઈ આવે તે સ્વાભાવિક છે. સ્વિસ આર્મી નાઇફ તો અમારી પાસે હતું પણ વિક્ટોરિનોક્સનો સ્ટોર એમ જ પાર કઈ રીતે કરી દેવો. ત્યાંથી અમે કિચન માટેનાં ચાકુ લીધાં. હજી આખો દિવસ માત્ર બેકપેક સાથે ચાલવાનું હતું એટલે આવતાની સાથે જ અહીંથી બહુ બધી ખરીદી કરીને ઊંચકીને સાથે ન ચાલવાની ચર્ચા થઈ. સામે એ પ્રશ્ન થયો કે ઘણી વાર એ જ સ્ટોર બંધ થાય તે પહેલાં ત્યાં ફરી આવી નથી શકાતું. અને ઘણાં સ્થળોએ લાગે કે અહીં માત્ર લટાર મારવા આવેલાં પાટેક ફિલિપની ઘડિયાળ ખરીદીને જનારાં લોકો કોણ હોતાં હશે.
ઝેરમાટ નાનકડું ભલે હોય, ત્યાં સ્વિત્ઝરલેન્ડની દરેક ખ્યાતનામ ચીજ મળતી હતી. એક તો ત્યાં બારેમાસ સ્કી કરનારાંઓ આવી શકે છે. એક આખું સબર્બ સ્કી ટૂરિસ્ટને માટે લાંબા સમય માટેનાં એપાર્ટમેન્ટથી ખીચોખીચ ભરેલું હતું. બીજી તરફ ત્યાં લેડરાખ ચોકલેટ્સ અને બાયાર્ડ સ્પોર્ટ્સ સ્ટોર વચ્ચે લાકડાની હેવી ઇમારતો વચ્ચે અમે ગામનું રાઉન્ડ મારીને પછી મેટરહોર્નનો વ્યૂ જોવા માટે એક નાનકડી હાઈક કરવાનાં હતાં. હાઇક માટે વરસાદ બંધ થવો જરૂરી હતો. પંદરમી અને સોળમી સદીનાં ઘરો વચ્ચે ત્યાં દરેક ગલીના અંતે પહાડો પર મકાનોની લેયરિગ જોઈને યાદ હતુંં કે આ આખો દેશ જ ફોટોજેનિક છે.
વચ્ચે થોડો ટાઇમપાસ કરવા અમે કાફે ફુક્સમાં ઘૂસી ગયાં. અહીં ઠંડીથી થોડી રાહત મળી, સારી જગ્યા મળી, હવે ગરમા ગરમ કોફી, હોટ ચોકલેટ, થોડો સૂપ, થોડું ચીઝ ફોન્ડ્યુ, અમે ચારેય થોડા સમય માટે સ્વિસ ક્વિઝિનની મજા લેવામાં વ્યસ્ત થઈ ગયાં. જ્યારથી ટૅશમાં કાર મૂકી હતી ત્યારથી જરા શાંતિથી બેસવાનો મોકો અહીં મળ્યો હતો. આ ફુક્સ કાફે પણ અહીં છેક 1960માં બનેલું. તે સમયે અહીં સામાન લાવવાનું પણ સરળ ન હતું. ટૅશનું પાર્કિંગ બન્યા પછી મેટરહોર્નમાં માત્ર સ્પેશિયલ પરમિટવાળાં ઇલેક્ટ્રિક વાહનો જ અલાઉડ છે. આ કાફે અને બેકરીને સ્વિસ બેકરી એવોર્ડ પણ મળી ચૂક્યો છે અને તેની થોડી બ્રાન્ચ પણ ખૂલી ચૂકી છે. એવામાં અમે તો ત્યાં ઘણો યાદગાર સમય વિતાવ્યો. એક વાર બેઠાં પછી તો ભૂલી પણ ગયાં કે અમે ત્યાં વરસાદ બંધ થાય ત્યાં સુધી જ બેસવાનું ઇચ્છતાં હતાં. ખં જોવા જાઓ તો ટ્રાવેલમાં આ જ મજા હોય છે. બાકી જોવાલાયક સ્થળોનું લિસ્ટ તો હવે વર્ચુઅલી ગમે ત્યારે જોવા મળી જાય છે. બધાં એક જ સરખા ફોટા પાડે છે અને એક જ સરખા રીલ્સ બનાવે છે. પર્સનલ અનુભવો સિવાય યાદગીરી માટે આખી દુનિયા એક સરખાં દૃશ્યોનાં ફોટા લઈને જ ઘરે જાય છે.
અમારી વાતોમાં વરસાદ ધીમે ધીમે સાવ બંધ થઈ રહૃાો હતો. જોકે તેમાં મેટરહોર્નની આગળથી વાદળો હટી જશે તેની કોઈ ગેરેન્ટી ન હતી. પણ તે સમયે તો અમે વરસાદ બંધ થઈ જવામાં જ ખુશ હતાં. હજી મોટી હાઇક શરૂ કરીએ તે પહેલાં ગોર્નર ગોર્જની એક નાનકડી ટેસ્ટ હાઇક કરવા જવું હતું, પણ ઓક્ટોબર શરૂ થતાં જ ગોર્જનો રસ્તો બંધ થઈ જાય છે. આલ્પાઇન ગોર્જ માત્ર સ્પ્રિગ અને સમરમાં જ ખુલ્લાં હોય છે. એટલે અમે ત્યાંનાં લેક્સ તરફ ચક્કર મારીને મજા કરી જોઈ. હવે લાંબી હાઇક માટે અમે સજ્જ હતાં. બસ મેટરહોર્નની આગળથી વાદળ ખસવાની રાહ જોવાઈ રહી હતી.