Fri Sep 04 2026

Logo

વરલીવાસીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ: 2 નવા બ્રિજનું 30 ટકા કામ પૂર્ણ, ક્યારે થશે શરૂ

2026-03-30 17:56:31
Author: Mumbai Samachar Team
વરલીવાસીઓને મળશે ટ્રાફિકમાંથી મુક્તિ: 2 નવા બ્રિજનું 30 ટકા કામ પૂર્ણ, ક્યારે થશે શરૂ

મુંબઈ: વરલીમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે બે નવા બ્રિજ શરૂ થવા જઈ રહ્યા છે. આ નવા બ્રિજને કારણે બે મહત્ત્વના સ્થળો વચ્ચેનું અંતર ખૂબ જ ઓછા સમયમાં કાપી શકાશે. હાલમાં આ પ્રોજેક્ટનું ૩૦ ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને આ માર્ગ મુસાફરો માટે ક્યારે ખુલ્લો મુકવામાં આવશે, તેના પર સૌની નજર ટકેલી છે.

દક્ષિણ મુંબઈના વરલી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક જામ એક ગંભીર સમસ્યા બની ગઈ છે. તેનો ઉકેલ લાવવા માટે નેહરુ સાયન્સ સેન્ટરથી નહેરુ પ્લેનેટોરિયમને જોડતો ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ અત્યારે નહેરુ સાયન્સ સેન્ટર પાસેના નાળા પર આખરે શરૂ થઈ ગયું છે. 

આ પ્રોજેક્ટને ત્રણ વર્ષ પહેલાં મંજૂરી મળી હતી, પરંતુ આ માર્ગમાં આવતી ઝૂંપડપટ્ટીઓ અને અન્ય કારણોસર આ કામ અટકી પડ્યું હતું. હવે આ પુલનું કામકાજ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા હોવા છતાં તે પૂર્ણ થવાની શક્યતા વધુ આગળ વધી શકે તેમ છે.

નહેરુ સાયન્સ સેન્ટર અને નહેરુ પ્લેનેટોરિયમ વચ્ચેનું અંતર નજીક હોવા છતાં, વાસ્તવમાં વાહનચાલકોએ વરલી નાકાથી બે કિલોમીટરનો ચકરાવો લેવો પડે છે. તેમાં પણ નેહરુ સાયન્સ સેન્ટર પાસેના નાળાને કારણે ઈ. મોઝેસ રોડથી એની બેસન્ટ રોડ સુધી સીધું જોડાણ નથી.

બ્રિજ પૂર્ણ થયા પછી વાહનચાલકોએ વરલી નાકા ઓળંગવાની જરૂર રહેશે નહીં. જીજામાતા નગરથી વરલી નાકા સુધીની ૧૫ મિનિટની મુસાફરી હવે માત્ર ૫ મિનિટમાં પૂર્ણ થશે. આ ઉપરાંત, પેડર રોડ અને કોસ્ટલ રોડ સાથે સીધું જોડાણ મળવાને કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા છે.