Mon Sep 07 2026

Logo

ગાંજો ફૂંકીને ફ્લાઇટ ઉડાવનાર પાઇલટને એર ઈન્ડિયાએ આપ્યું પાણીચું, ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતા નોકરીમાંથી કાઢી મૂક્યો

2026-09-04 21:07:58
Author: Mumbai Samachar Team
ગાંજો ફૂંકીને ફ્લાઇટ ઉડાવનાર પાઇલટને એર ઈન્ડિયાએ આપ્યું પાણીચું, ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતા નોકરીમાંથી કાઢી મૂક્યો

નવી દિલ્હી: પ્રવાસીઓની સુરક્ષાને લઈને એર ઈન્ડિયાએ કડક પગલું ભર્યું છે. ફૂકેતથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટના પાઇલટ -ઈન-કમાન્ડને ડ્રગ ટેસ્ટમાં સાયકોએક્ટિવ પદાર્થ માટે પોઝિટિવ રિઝલ્ટ આવ્યા બાદ એરલાઈને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યો છે. એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષા, ફિટનેસ અને નિયમનકારી જરૂરિયાતોના ઉલ્લંઘન સામે તેની ઝીરો ટોલરન્સ પોલિસી છે.

આ મામલો 4 ઓગસ્ટ 2026ના ફૂકેતથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2379 સાથે જોડાયેલો છે. એરબસ A320neo વિમાનમાં 137 મુસાફરો હતા, જેમાં ત્રણ બાળકનો પણ સમાવેશ થતો હતો. વિમાનમાં છ કેબિન ક્રૂ અને બે પાયલટ પણ સવાર હતા.

36,000 ફૂટની ઊંચાઈએ હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ

ફ્લાઈટ લગભગ 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી ત્યારે વિમાનની ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ ગણતરીની સેકન્ડમાં એક પછી એક ફેલ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે ઓટોપાઇલટ ડિસકનેક્ટ થઈ ગયો હતો અને લગભગ બે સેકન્ડ માટે સ્ટોલ વોર્નિંગ પણ સંભળાઈ હતી.આ પછી વિમાનની ઊંચાઈમાં અચાનક ફેરફાર થયો હતો. વિમાન પહેલાં લગભગ 372 ફૂટ ઉપર ગયું અને ત્યાર બાદ લગભગ 292 ફૂટ નીચે આવી ગયું હતું. 

તે સમયે સીટ બેલ્ટનું સિગ્નલ બંધ હતું. અચાનક થયેલા આ ઊંચાઈના ફેરફારને કારણે વિમાનમાં સવાર લોકોમાં અફરાતફરી સર્જાઈ હતી અને કુલ 24 લોકોને ઈજા થઈ હતી.ઈજાગ્રસ્તોમાં 20 મુસાફરો અને ચાર કેબિન ક્રૂનો સમાવેશ થતો હતો. 20 લોકોને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે ચાર લોકોને ગંભીર ઈજાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઘટના બાદ શરૂઆતમાં તેને ખરાબ હવામાન અને ટર્બ્યુલન્સ સાથે જોડવામાં આવી હતી. જોકે, વિમાનમાં થયેલી ઈજાઓ અને નુકસાનને ધ્યાનમાં રાખીને મામલાની તપાસ અકસ્માત તરીકે શરૂ કરવામાં આવી હતી. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની પ્રાથમિક તપાસ રિપોર્ટમાં વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં આવેલી ખામી સહિત અનેક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે.

AAIBના જણાવ્યા અનુસાર, 145 લોકોને લઈ જતું એરબસ A320 વિમાન 36 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમોએ લગભગ એકસાથે કામ કરવાનું બંધ થઈ ગઈ હતી. તેના કારણે ઓટોપાઇલટ ડિસકનેક્ટ થયો હતો અને થોડા સમય માટે સ્ટોલ વોર્નિંગ મળી હતી.

પાઇલટનો ડ્રગ ટેસ્ટ નોન-નિગેટિવ
વિમાન દિલ્હી પહોંચ્યા બાદ બંને પાયલટની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. દારૂની તપાસ માટે કરવામાં આવેલા બ્રેથ એનાલાઇઝર ટેસ્ટમાં બંને પાયલટના પરિણામ સામાન્ય આવ્યા હતા. પરંતુ સાયકોએક્ટિવ પદાર્થોની તપાસમાં પાયલટ-ઈન-કમાન્ડનું સેમ્પલ નોન-નિગેટિવ આવ્યું હતું. બીજી તરફ, કો-પાઇલટનું સેમ્પલ નેગેટિવ આવ્યું હતું.

આ બાદ બંનેના બ્લડ સેમ્પલની કન્ફર્મેટરી તપાસ કરવામાં આવી હતી. તેમાં પણ પાયલટ-ઈન-કમાન્ડનું પરિણામ નોન-નિગેટિવ આવ્યું હતું, જ્યારે કો-પાઇલટનો ટેસ્ટ નેગેટિવ રહ્યો હતો. પાયલટ-ઇન-કમાન્ડની ઉંમર 34 વર્ષ હોવાનું AAIBની રિપોર્ટમાં જણાવાયું છે. રિપોર્ટમાં તેના ડ્રગ ટેસ્ટના પરિણામને ગંભીર ચિંતાનો વિષય ગણાવીને DGCAને પ્રાથમિકતાના ધોરણે કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી.

એર ઈન્ડિયાની ઝીરો ટોલરન્સ પોલિસી

આ મામલે એર ઈન્ડિયાએ સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. એરલાઇને જણાવ્યું કે સુરક્ષા, ફિટનેસ અથવા નિયમનકારી જરૂરિયાતોના ઉલ્લંઘન સામે કંપનીની ઝીરો ટોલરન્સ પોલિસી છે. એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ફૂકેતથી -દિલ્હી ફ્લાઈટના પાયલટ-ઈન-કમાન્ડનો સાયકોએક્ટિવ પદાર્થ માટેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ આધારે પાયલટની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.

350થી વધુ પાઇલટના ડ્રગ ટેસ્ટ

આ ઘટના બાદ એર ઇન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના પાયલટોની ડ્રગ ટેસ્ટિંગ પ્રક્રિયા પણ શરૂ કરી છે. 17 ઓગસ્ટ સુધીમાં આશરે 350 પાઇલટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં બે પાઇલટના પ્રાથમિક ટેસ્ટ નોન-નિગેટિવ આવ્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, આ બંને કેસમાં કન્ફર્મેટરી ટેસ્ટ થવાનો હજુ બાકી છે, તેથી તેમના અંગે અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું ગણાશે. હાલના નિયમો પ્રમાણે એરલાઈન્સે પોતાના 10 ટકા પાયલટની રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ કરાવવાની હોય છે. સરકાર હવે તમામ પાઇલટ માટે દર વર્ષે રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ ફરજિયાત કરવાની દિશામાં પણ વિચાર કરી રહી છે.

ડ્રગ ટેસ્ટ અને ફ્લાઇટની ઘટનાનો સંબંધ?

આ મામલે સૌથી મહત્વની વાત એ છે કે AAIBએ અત્યાર સુધી એવું કહ્યું નથી કે પાઇલટના ડ્રગ ટેસ્ટમાં આવેલા નોન-નિગેટિવ પરિણામને કારણે વિમાનની હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ હતી અથવા વિમાનની ઊંચાઈમાં અચાનક ફેરફાર થયો હતો. વિમાનની ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ એકસાથે કેમ ફેલ થઈ, ઓટોપાઈલટ શા માટે ડિસ્કનેક્ટ થયો અને વિમાન અચાનક ઉપર-નીચે કેમ થયું તેની તપાસ હજુ ચાલી રહી છે.

હાલમાં એટલું સ્પષ્ટ છે કે AAIBની પ્રાથમિક તપાસમાં પાઇલટ-ઈન-કમાન્ડનો સાયકોએક્ટિવ પદાર્થ માટેનો ડ્રગ ટેસ્ટ નોન-નિગેટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ગંભીર બાબતને પગલે DGCAને કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ એર ઇન્ડિયાએ પાઇલટને તાત્કાલિક અસરથી નોકરીમાંથી કાઢી મૂક્યો છે. સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન નહીં કરવાની પોતાની નીતિ હેઠળ એર ઈન્ડિયાએ આ કાર્યવાહી કરી છે.