અમદાવાદઃ વર્લ્ડ સેફ્ટી ડેની અમદાવાદમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી.કામદારોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા એક વિશેષ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર કામદારોને અકસ્માત નિવારણના પાઠ ભણાવાયા હતા.
સ્વરા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન કાર્તિક સોનીએ “ધ સ્ટ્રોંગેસ્ટ ફાઉન્ડેશન્સ આર બિલ્ટ ઓન સેફટી” વિષય પર કામદારોને સંબોધિત કર્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સુરક્ષા માત્ર કાગળ પરનો નિયમ નથી, પરંતુ દરેક કામદારની નૈતિક જવાબદારી છે. જ્યારે આપણે સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપીએ છીએ, ત્યારે જ મજબૂત અને ટકાઉ નિર્માણ શક્ય બને છે.

કાર્યક્રમ દરમિયાન કામદારોને માત્ર મૌખિક જ્ઞાન જ નહીં, પરંતુ પ્રેક્ટિકલ ડેમો દ્વારા પણ સુરક્ષાના નિયમો સમજાવવામાં આવ્યા હતા. જેમાં સેફ્ટી ગિયર્સ હેલ્મેટ, સેફ્ટી શૂઝ, ગ્લોવ્સ અને પ્રોટેક્ટિવ ગિયર્સનો યોગ્ય ઉપયોગ કરવાની પદ્ધતિ સમજાવી હતી. આ ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા સામાન્ય અકસ્માતોના કારણો અને તેને અટકાવવાના ઉપાયો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આપાતકાલીન પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિસાદ આપવો, ફર્સ્ટ એઇડ (પ્રાથમિક સારવાર) નો ઉપયોગ અને જોખમી સ્થિતિને સમયસર ઓળખવા અંગે તાલીમ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે કામદારોમાં સુરક્ષા પ્રત્યે ભારે ઉત્સાહ અને સકારાત્મકતા જોવા મળી હતી. તમામ કામદારોએ પોતે સુરક્ષિત રહીને કામ કરવાની અને રોજિંદા કામકાજમાં સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.