દર વર્ષે 12મી ઓગસ્ટના રોજ 'વિશ્વ હાથી દિવસ' (World Elephant Day) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પૃથ્વી પરના આ સૌથી વિશાળકાય સ્થળચર પ્રાણીના સંરક્ષણ, તેમના પર થઈ રહેલા અત્યાચારો અટકાવવા અને તેમની વસ્તી જાળવી રાખવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે.
જંગલના આ શાંત અને બુદ્ધિશાળી જીવ વિશે એવી ઘણી બધી રસપ્રદ બાબતો છે જેનાથી મોટાભાગના લોકો અજાણ છે. આવો જાણીએ હાથીઓ સાથે જોડાયેલા કેટલાક ચોંકાવનારા અને અદ્ભુત તથ્યો:
જન્મ સમયે જ 100 કિલોથી વધુ વજન:
હાથિણીની ગર્ભાવસ્થા માનવ ઈતિહાસમાં સૌથી લાંબો એટલે કે આશરે 22 મહિના (લગભગ બે વર્ષ)ની હોય છે. નવજાત બચ્ચું જન્મ લે ત્યારે જ તેનું વજન આશરે 100થી 120 કિલોગ્રામ જેટલું હોય છે!
સૂંઢમાં 1,40,000થી વધારે સ્નાયુઓ:
હાથીની સૂંઢ (Trunk) એ તેના શરીરનું સૌથી ખાસ અંગ છે. હાથીની સૂંઢમાં હાડકું હોતું નથી, પરંતુ તેમાં 1,40,000થી વધારે વધુ સ્નાયુઓ હોય છે. સૂંઢ વડે હાથી જમીન પર પડેલી નાની સોય પણ ઊંચકી શકે છે અને મોટા ઝાડના થડને પણ ઉખાડી ફેંકી શકે છે.

પાણીની ગંધ ઓળખવાની અદ્ભુત ક્ષમતા:
હાથીઓની સૂંઘવાની શક્તિ અત્યંત તીવ્ર હોય છે. તેઓ આશરે 19થી 20 કિલોમીટર દૂર રહેલા પાણીના સ્ત્રોત કે જળાશયની ગંધ સરળતાથી પારખી લે છે.
ઉભા-ઉભા ઊંઘવાની આદત:
હાથી ખૂબ જ ઓછી ઊંઘ લે છે. તેઓ દિવસમાં માત્ર ત્રણ ચાર કલાક જ ઊંઘે છે અને હાથી મોટાભાગે ઉભા-ઉભા જ ઊંઘવાનું પસંદ કરે છે.

ગરમીથી બચવા શરીર પર માટી છાંટવી:
હાથીઓની ત્વચા ખૂબ જાડી (આશરે અઢી સેમી) હોવા છતાં અત્યંત સંવેદનશીલ હોય છે. સૂર્યના તાપ, ગરમી અને જીવજંતુઓથી બચવા માટે તેઓ પોતાની સૂંઢ વડે શરીર પર ધૂળ, માટી અને કાદવ છાંટતા રહે છે, જે તેમના માટે નેચરલ સનસ્ક્રીનનું કામ કરે છે.
ઉત્તમ યાદશક્તિ અને ભાવનાત્મક સંબંધો:
હાથીઓ તેમની અદ્ભુત યાદશક્તિ માટે જાણીતા છે. તેઓ પોતાના સાથીઓ, જૂના રસ્તાઓ અને મનુષ્યોના ચહેરા વર્ષો સુધી યાદ રાખી શકે છે. આ ઉપરાંત, જૂથના કોઈ સભ્યનું મૃત્યુ થાય ત્યારે તેઓ મનુષ્યની જેમ જ દુઃખ અને શોક વ્યક્ત કરે છે.

કાન વડે શરીરનું તાપમાન નિયંત્રિત કરવું:
હાથી પોતાના મોટા કાન વારંવાર હલાવતા રહે છે. તેનાથી તેઓ માત્ર માખીઓ જ નથી ઉડાડતા, પરંતુ કાનની પાછળ રહેલી રક્તવાહિનીઓ દ્વારા પોતાના સમગ્ર શરીરનું તાપમાન કંટ્રોલ કરે છે.
વિશાળ આહાર:
એક પુખ્ત વયનો પ્રૌઢ હાથી દિવસમાં આશરે 150થી 200 કિલોગ્રામ ઘાસ, પાંદડાં, ફળો અને છાલ આરોગી જાય છે અને પ્રતિદિન 150થી 200 લિટર પાણી પીવે છે.

કુદકો ન મારી શકનારું પ્રાણી:
હાથી પૃથ્વી પરનું એકમાત્ર એવું સસ્તન પ્રાણી છે જે પોતાના ભારે શરીરના કારણે ક્યારેય કૂદકો મારી શકતું નથી.
જૂથનું નેતૃત્વ 'માદા હાથી' કરે છે:
હાથીઓના ઝુંડમાં સામાજિક માળખું ખૂબ મજબૂત હોય છે. હાથીઓના જૂથનું નેતૃત્વ હંમેશા સૌથી ઉંમરલાયક અને અનુભવી માદા હાથી જ કરે છે.
